New Delhi,તા.24
રેલવે કર્મચારીઓ માટે દિવાળી બોનસના પ્રસ્તાવને સરકાર મંજૂરી આપી શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળની યોજાનારી આગામી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળવાનું સરકારી સુત્રોએ જણાવ્યું છે. દિવાળી અને તહેવારની સીઝનને ધ્યાનમાં લેતાં મંત્રીમંડળ આ મામલે ઝડપથી ખુશખબર આપી શકે છે. જેમાં ઉત્પાદકતા આધારિત બોનસને મંજૂરી મળશે. આ બોનસ મુખ્યત્વે નોન-ગેજેટેડ રેલવે કર્મચારીઓને તેમના યોગદાન અને ભારતીય રેલવેની દક્ષતા તથા પર્ફોર્મન્સમાં સુધારા માટે આપવામાં આવે છે. ગતવર્ષે આશરે 11 લાખ કર્મચારીઓને બોનસ મળ્યું હતું. જેનાથી કર્મચારીઓનું મનોબળ વધ્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર, આગામી બેઠકમાં બોનસની જાહેરાત નિશ્ચિત છે. રેલવે કર્મચારીઓને બોનસની ચૂકવણી ઘરેલુ ખર્ચ કરવા પ્રોત્સાહન આપશે. આ તહેવારોની સીઝનમાં એક તો જીએસટી ઘટાડાનો લાભ તેમજ બોનસની લ્હાણીના કારણે સ્થાનિક વપરાશ વધવાની અપેક્ષા છે.
રેલવે કર્મચારી સંગઠનોએ આ મહિને પણ માંગ કરી છે કે સરકાર પ્રોડક્ટિવિટી બોનસમાં વધારો કરે અને આઠમા પગાર પંચની સ્થાપના કરતું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે. ભારતીય રેલવે કર્મચારી ફેડરેશન (IREF) એ જણાવ્યું હતું કે અત્યાર સુધી છઠ્ઠા પગાર પંચના લઘુત્તમ પગાર રૂ. 7,000ના આધારે બોનસ આપવામાં આવી રહ્યું છે. જ્યારે સાતમા પગાર પંચ મુજબ કર્મચારીઓનો લઘુત્તમ પગાર રૂ. 18,000 છે. IREFના રાષ્ટ્રીય મહાસચિવ સર્વજીત સિંહે તેને ‘અત્યંત અન્યાયી’ ગણાવ્યું. ઓલ ઈન્ડિયા રેલવે કર્મચારી ફેડરેશન (AIRF) એ પણ બોનસની ગણતરીમાં માસિક મર્યાદા રૂ. 7,000 દૂર કરવા અને વર્તમાન પગાર માળખા મુજબ તેને વધારવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે.