હું એક કલાકાર તરીકે લાલચુ છું. મારે જ્યાં મહેનત કરવાની હોય એ મને ગમે છે : સબા આઝાદ
Mumbai, તા.૨૪
સબા આઝાદ આજકાલ રિતિક રોશન સાથેના સંબંધોને કારણે વારંવાર સ્પોટલાઇટમાં આવતી રહે છે. તાજેતરમાં તેણે પોતાના અંગત જીવન અને પરિવાર વિશે વિગતે વાત કરી હતી. તેણે લગ્ન, જટિલ રોલ માટેનો પ્રેમ અને બોલિવૂડમાં સ્ટિરીયોટાઇપ્સ અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે તેના પરિવારમાંથી લગ્ન માટે ક્યારેય દબાણ કરવામાં આવતું નથી. “હું છ વર્ષની હતી ત્યારે મારા માતાપિતાએ મને બેસાડીને શાંતિથી સમજાવ્યું હતું, “બેટા, જો તારે લગ્ન ન કરવા હોય તો ક્યારેય લગ્ન ન કરીશ. અમારી તારી પાસે કોઈ અપેક્ષાઓ નથી.” તેથી બસ મને ક્યારેય લગ્ન માટે કે મારી જિંદગી કેવી રીતે જીવવી તે અંગે કોઈ દબાણ અનુભવાતું નથી.”સબા આઝાદ બોલિવૂડનાં રૂઢિવાદી ચોકઠાઓમાં બંધ થવા માગતી નથી. તેણે જણાવ્યું,“હું એક કલાકાર તરીકે લાલચુ છું. મારે જ્યાં મહેનત કરવાની હોય એ મને ગમે છે. હું રહું છું એવા જ શહેરમાં રહેતી કોઈ છોકરીનો રોલ કરવો એ હું જેવી છું એનાથી ઘણું દૂર છે. પરંતુ કોઈની સફરનો ભાગ બનવું, કોઈની દુનિયામાં પ્રવેશવું, એ મને બહુ ઉત્સાહીત કરે છે. એવા કોઈ રોલમાં મને બહુ રસ પડે છે.”સબાએ આગળ કહ્યું કે તેને હંમેશા જટિલ રોલ કરવા ગમે છે. તેણે કહ્યું,“જે મહિલાઓ પોતપોતાના ક્ષેત્રમાં રાજ કરે છે, તે મને બહુ પ્રભાવિત કરે છે, તેઓ બહાદુર અને પોતાના સ્થાનનો હક જાણે છે. એ પ્રકારની મહિલાઓમાં એક પ્રકારની તાકાત હોય છે, સ્ક્રીન પર કોઈ એવા રોલમાં મહેનત કરવામાં મજા આવે છે.”જ્યારે ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારના રોલમાં બંધાઈ જવા વિશે તેણે કહ્યું,“મને ઘણી વખથ અર્બન રોલમાં જ લોકો બાંધી દે છે. લોકો મને પુછે છે, “તમને હિન્દી આવડે છે?” અને મને થાય છે, બિલકુલ, હું બોલી શકું છું. લોકોની આવી ગેરમાન્યતાઓ તોડવાનું હંમેશા અઘરું હોય છે. તો જ્યારે કોઈ ડિરેક્ટર તમારા માટે અલગ પ્રકારની કલ્પના કરે તો એ એક ગિફ્ટ છે.”