Brisbane,તા.25
ભારતની અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમને સતત બીજી વનડેમાં હરાવી હતી. ટીમે બીજી વનડે 51 રનથી જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી હતી. ભારતે પહેલી વનડે 7 વિકેટે જીતી હતી.
બુધવારે બ્રિસ્બેનના ઇયાન હીલી ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 49.4 ઓવરમાં 300 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 47.2 ઓવરમાં 249 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
વૈભવ સૂર્યવંશીએ 68 બોલમાં 70 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થતો હતો. 14 વર્ષીય વૈભવ (41 છગ્ગા) એ યુથ વનડેમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ બનાવ્યો, અને ભારતના ઉન્મુક્ત ચંદના 38 છગ્ગાના રેકોર્ડને તોડી નાખ્યો.
આયુષ મ્હાત્રે શૂન્ય રન પર આઉટ થયા, વૈભવ-વિહાન અને અભિજ્ઞાનનો અડધી સદીનો સ્કોર.
વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુની અડધી સદીની ઇનિંગ્સે ઓસ્ટ્રેલિયા સામે ભારતને 300 રન સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. કેપ્ટન આયુષ મ્હાત્રે શૂન્ય રન પર આઉટ થયા પછી, વૈભવે 68 બોલમાં 70 રન બનાવ્યા, જ્યારે વિહાને પણ 74 બોલમાં 70 રન બનાવ્યા. અભિજ્ઞાને 64 બોલમાં 71 રનની ઝડપી ઇનિંગ્સ રમી. વિલ બાયરોમે તેની ટીમ માટે સૌથી વધુ 3 વિકેટ લીધી.
301 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 109 રનના સ્કોર પર પોતાની પહેલી 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ જેડન ડ્રેપરે એક છેડેથી ટીમને પકડી રાખી અને 107 રનની ઇનિંગ રમી, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહીં. તેણે આર્યન શર્મા સાથે મળીને 7મી વિકેટ માટે 75 બોલમાં 112 રનની ઇનિંગ રમી.
આ પહેલા એલેક્સ ટર્નરે 24 રનની ઇનિંગ રમી હતી જ્યારે ટીમના કેપ્ટન યશ દેશમુખે માત્ર એક રન બનાવ્યો હતો. ભારત તરફથી કેપ્ટન આયુષ મ્હાત્રેએ આ મેચમાં 3 વિકેટ લીધી હતી, જ્યારે કનિષ્ક ચૌહાણે 2 સફળતા મેળવી હતી. કિશન, એમ્બરીસ, ખિલાન, વિહાને એક-એક વિકેટ મેળવી હતી.