Washington, તા.25
ભારત અને અમેરિકા વચ્ચે ટેરીફ સહિતના મુદ્દે જે સંબંધોમાં તનાવ છે તે ઘટાડવા માટે બંને તરફથી પ્રયાસો ચાલુ છે તે સમયે ફરી એક વખત અમેરિકી તંત્રએ યુ-ટર્ન લેતા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના અંતે અથવા તો આગામી વર્ષે મળી શકે છે તેવો સંકેત આપ્યો છે.
અમેરિકાએ સ્વીકાર્યુ છે કે ભારત અને અમેરિકાના સંબંધોમાં ડિપ્લોમેટીક તનાવ છે. પરંતુ બંને દેશોના અધિકારીઓ તે ઘટાડવા અને સંબંધો મજબુત બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. અમેરિકી વિદેશી વિભાગના અધિકારી વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે સકારાત્મક વિચારો હોવાનું જણાવતા ઉમેર્યુ હતું કે બંને દેશો લાંબા સમયે ફરી એક વખત ગાઢ સંબંધો ભણી જશે.
આ અધિકારીઓએ ખાસ કરીને કવાડ શીખર સંમેલનની તારીખો નકકી કરવા વાતચીત ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. અગાઉના શેડયુલ મુજબ આ બેઠક દિલ્હીમાં સપ્ટેમ્બર-ઓકટોબરમાં યોજાવાની હતી પરંતુ ટેરીફ વિવાદના કારણે હજુ સુધી તેના પર કોઇ નિર્ણય લેવાયો ન હતો તે વચ્ચે હવે તે આ વર્ષના અંત સુધીમાં અથવા તો આગામી વર્ષે તે યોજાઇ અને પ્રમુખ ટ્રમ્પ તેમાં હાજરી આપવા ભારત આવે તે શકયતા પર ચર્ચા ચાલી રહી છે.
બીજી તરફ ભારત જે રીતે રશિયા પાસેથી ક્રુડ તેલ ખરીદી રહ્યું છે તેની સામે પણ અમેરિકી તંત્રને સૌથી મોટો વિરોધ છે. હવે ટેરીફ વાતચીતમાં આ અંગે જે બેઠકો છે તેમાં આ વિવાદને પણ ઉકેલવા તૈયારી છે. જોકે અમેરિકી પ્રમુખ જે રીતે સતત ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુધ્ધમાં તેમણે મધ્યસ્થી કરી હતી અને અણુ યુધ્ધ અટકાવ્યું હતું
તેવા દાવા કરે છે અને ભારતે ટ્રમ્પ કે અન્ય કોઇની મધ્યસ્થી સ્વીકારી નથી તેવું જણાવે છે. તે સંદર્ભમાં પણ અમેરિકી અધિકારીએ સ્પષ્ટતા કરી છે કાશ્મીરએ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે અને જો અમારી મદદ માંગે તો રાષ્ટ્રપતિ તેમ કરવા તૈયાર છે. પરંતુ તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદમાં ટ્રમ્પે મધ્યસ્થીની ઓફર કરી હતી. જોકે ભારતે અગાઉ જ આ પ્રકારે કોઇ પણ મધ્યસ્થતા ફગાવી છે.