New Delhi, તા.25
ઈટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ ફરી એકવાર ભારત પર પોતાનો ભરોસો દુનિયા સમક્ષ રાખ્યો છે. તેમણે જણાવ્યું છે કે ભારત દુનિયાભરમાં ચાલી રહેલા જંગને ખતમ કરવામાં પોતાની ભૂમિકા ભજવી શકે છે.
મેલોનીએ ભારતની વૈશ્વિક ભૂમિકાની જોરદાર પ્રશંસા કરી છે. મેલોનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે ભારત વૈશ્વિક મંચ પર પોતાની કૂટનીતિક તાકાત અને શાંતિ સ્થાપનાના પ્રયાસો માટે જાણીતું છે. હાલમાં જ પીએમ મોદી અને પીએમ મેલોની વચ્ચે ફોન પર વાત થઈ.
જેમાં બન્ને નેતાઓએ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારો શેર કર્યા હતા. આ ઉપરાંત યુક્રેનમાં ચાલી રહેલ સંઘર્ષના ઝડપી અને શાંતિપૂર્ણ સમાધાન પર સહમતી દર્શાવી હતી. પીએમ મોદીએ આ દિશામાં પુર્ણ સમર્થન આપ્યું હતું.
મેલોનીએ ભારત-યુરોપીય સંઘ મુક્ત વ્યાપાર સમજુતી (એફટીએ)ને ઝડપથી પુરો કરવા માટે ઈટલીના મજબૂત સમર્થનની વાત કરી હતી અને ભારતમાં 2026માં યોજાનાર એઆઈ ઈમ્પેકટ સમીટની સફળતા માટે શુભકામના પાઠવી હતી.