Gandhinagar, તા.25
ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ અને ખાસ કરીને સુરતથી લઇ રાજકોટમાં તેઓએ યોજેલી બેઠકો બાદ ફરી એક વખત રાજયમાં મંત્રીમંડળમાં ફેરફારથી લઇ અને પ્રદેશ ભાજપના નવા પ્રમુખ અંગેની ચર્ચાએ વેગ પકડયો છે તે સમયે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મંગળવારનો દિલ્હી પ્રવાસ અને તેમાં પણ મંત્રીમંડળમાં ફેરફારો અંગે તેઓએ ચર્ચા કરી હોવાના અટકળો બાદ હવે શનિવારે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યો ઉપરાંત જિલ્લા અને મહાનગરના પ્રદેશ પ્રમુખોને કમલમ ખાતે પહોંચવા જણાવાતા જ નવા પ્રદેશ પ્રમુખની વરણીનું મુહૂર્ત નીકળ્યું હોવાની ચર્ચાએ વેગ પકડયો છે.
ગઇકાલથી જ તમામ અપેક્ષિતોને આવી રહેલા ફોનમાં શનિવારે બપોરે 1.30 વાગ્યે અગત્યની બેઠક માટે કમલમ પહોંચવા માટે જણાવાઇ રહ્યું છે અને સુત્રોના જણાવ્યા મુજબ જે રીતે ધારાસભ્યોની સાથે જિલ્લા અને મહાનગરના પ્રમુખોને પણ બોલાવાયા છે તેથી સંગઠન સંબંધીત કોઇ મહત્વની જાહેરાત અથવા તો તે પૂર્વેની તૈયારી હોય તેવું માનવામાં આવે છે.
મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસ બાદ જોકે મંત્રીમંડળમાં ફેરફાર અંગે હજુ સુધી કોઇ નવા ડેવલપમેન્ટ જોવા મળ્યા નથી અને રાજય સરકારના મંત્રીઓ તમામ પોતાની રીતે કામકાજ કરી રહ્યા છે પરંતુ હવે ભાજપ જે રીતે દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રમુખથી લઇ અને ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ મંત્રીમંડળમાં ફેરફાર માટે લાંબા સમયથી જોઇ રહ્યો છે. તે ખરેખર સમય આવ્યો હોવાનો ફરી એક વખત ચર્ચા શરૂ થઇ છે.
જોકે ભાજપ હંમેશા બંધ બાજી રમવા ટેવાયેલો છે અને આખરી ઘડીએ તેના પતા ઉતરે છે તેવું હવે થશે કે પછી વધુ એક વખત સ્વદેશી જેવી સલાહ આપીને તમામને કમલમથી વિદાય અપાય તેના પર ચર્ચા છે. અગાઉ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગાંધીનગરમાં આ જ પ્રકારે એક બેઠકમાં વધુ બે વખત તમને બોલાવાશે તેવું જણાવ્યું હતું.
તેમાં એક વખત કમલમની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે સ્વદેશી ચળવળ અંગે આહવાન કર્યુ તેનું માર્ગદર્શન અપાયું હતું. આમ પાટીલના પોતાની એક બેઠક પુરી થઇ ગઇ છે. જયારે હવે બીજી બેઠકનો સસ્પેન્સ શરૂ થયું છે તે સમયે જ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાત ભાજપના મેન્ટર અમિત શાહે પ્રથમ વખત તેમના પ્રવાસમાં સુરત અને રાજકોટમાં રાજકીય કહી શકાય તેવી ગતિવીધી કરી હતી.
જોકે તે ફકત ઔપચારિક હોવાનું અને કાર્યકર્તાઓને મળવા માટે તેઓએ આ બેઠક યોજી હોવાનું રાજકોટમાં જણાવાયું હતું પરંતુ અમિત શાહના દરેક નિર્ણયો પાછળ કોઇને કોઇ મહત્વનું કારણ હોય છે અને તેથી જ તેમની આ બેઠકોને વધુ રસપ્રદ રીતે જોવાઇ રહી છે.
તે સમયે હવે શનિવારે પ્રદેશ પ્રમુખ અંગે કોઇ ડેવલપમેન્ટ મળે છે કે કેમ અથવા પ્રદેશ ચૂંટણી અધિકારી તરીકે નિયુકત થયેલા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના ગુજરાત આગમન અંગે કોઇ વધારે અપડેટ આવે છે કે કેમ તે પણ પ્રશ્ન છે અને હવે આગામી 48 કલાકમાં કોઇ ઘટના કે સમાચારથી તેમાં માહિતી મળશે તેવું માનવામાં આવે છે. દિલ્હીથી લઇ ગુજરાત સુધી અને જે રીતે ઉત્તરપ્રદેશ સહિતના રાજયોમાં પણ નવા રાષ્ટ્રીય પ્રમુખથી લઇ પ્રદેશ પ્રમુખની નિયુકિતમાં હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી અને ચર્ચા તો કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ વિસ્તરણની થઇ રહી છે અને ગુજરાતમાં પણ મંત્રીમંડળમાં ફેરફાર આવે છે તેવા અનેક વખત અહેવાલો પછી પણ કોઇ હિલચાલ થઇ નથી તેમાં હવે કાર્યકર્તાઓ માને છે કે જો પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ ફેરફાર કરવા હોય તો તેનો આ હાઇટાઇમ છે.
વાસ્તવમાં ગુજરાતની જ વાત કરીએ તો એકસટેન્શન પર રહેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તમામ ઔપચારિકતા નિભાવતા હોય તે રીતે પ્રદેશ ભાજપનું કામકાજ સંભાળી રહ્યા છે અને દરેક મહાનગરો અને જિલ્લાઓમાં કોઇને કોઇ સમયે અસંતોષ અને વિવાદો બહાર આવી રહ્યા છે પરંતુ કોઇ પુછનાર ન હોય કે કોઇ ચિંતા કરનાર ન હોય તેવી સ્થિતિ બની છે.
હવે જો સંગઠનમાં નિર્ણાયક ફેરફાર ન થાય તો તેની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર પડી શકે છે તેવું કાર્યકર્તાઓમાં ચર્ચા છે. બીજી તરફ મંત્રીમંડળમાં પણ સરકારના કેટલા મંત્રીઓ સક્રિય છે અને કેટલા સુષુપ્ત તે પણ પ્રશ્ન છે અનેક મંત્રીઓ વર્ષમાં એકાદ વખત યાદ આવતા હોય તેવી સ્થિતિ છે અને 162 ધારાસભ્યો હોવા છતાં પણ જેમને ચાન્સ લાગ્યો નથી અને વચન પણ અપાયા છે.
તેઓ પણ હવે પોતાના વારાની રાહ જોઇ રહ્યા છે આમ તમામ બાજુએ આજે અથવા કાલે પણ મોડુ નહીં તેવી ઉત્સુકતા છે હવે દિવાળીના તહેવારોમાં વાતાવરણ બની ગયું છે અને ત્યારબાદ પોલીટીકલી વેકેશન 15 દિવસનું હશે અને પછી સ્થાનિક ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઇ જશે.
તે સમયે સંગઠનમાં ફેરફારો એ કેટલા પ્રભાવી નીવડી શકે તે પણ પ્રશ્ન છે. પક્ષના કેટલાક જાણકારો માને છે કે આમને આમ સ્થાનિક ચૂંટણીઓ પૂરી કરાશે. પરંતુ ગાંધીનગરથી મળતા હિલચાલમાં હવે કોઇ નિર્ણાયક સ્થિતિ બની રહી હોય તેવું જણાય છે.