New Delhi તા.25
1962ના ભારત અને ચીન વચ્ચેના યુદ્ધમાં ભારતીય સેનાને જબરી હારનો સામનો કરવો પડયો હતો અને હજારો કિલોમીટરનો ભારતીય વિસ્તાર ચીને કબ્જે કરી લીધો હતો જે અંગે આજદિન સુધી ચીન સાથે વિવાદ છે. તે વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે એક જબરો ઘટ્ટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે 1962ના એ યુદ્ધમાં ભારતીય સેનાને હવાઈદળનો ઉપયોગ કરવાની છુટ આપવામાં આવી ન હતી.
નહીતર સમગ્ર યુદ્ધનું પરિણામ જુદુ હોત અને ચીન જે રીતે ભારતીય સીમામાં ઘુસી શકયુ તેને રોકી શકાયુ હોત. પુનામાં તેઓએ લેફ. જનરલ એસપીપી થોરાટના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હવાઈદળનો કેવો અસરકારક ઉપયોગ થઈ શકે છે તે ઓપરેશન સિંદુરે બતાવી આપ્યુ છે.
જો 1962માં ભારતીય સેનાને હવાઈદળનો ઉપયોગ કરવાની મંજુરી અપાઈ હોત તો ચીનને આગળ વધતુ રોકવામાં ઘણી સફળતા મળી હોત. પુનામાં તેઓએ આ કાર્યક્રમમાં બોલતા 1962માં અપનાવાયેલી ફોરવર્ડ પોલીસી અંગે પણ ટીકા કરતા કહ્યું કે તે સમયે લદાખ અને નોર્થ ઈસ્ટ ફ્રન્ટીયર એજન્સી જે હાલ અરુણાચલ તરીકે ઓળખાય છે ત્યાં એક સમાન નીતિ લાગુ કરવી તે મોટી ભુલ હતી.
કારણ કે બંને પ્રદેશના ઈતિહાસ અને ભૂગોળ બંને અલગ અલગ છે. લદાખમાં ચીને પહેલાથી જ ભારતીય પ્રદેશ પર કબ્જો કરી લીધો હતો જયારે નોર્થ ઈસ્ટ ફ્રન્ટીયર એજન્સીમાં ભારતનો દાવો મજબૂત હતો અને એ બંને માટે એક સમાન પોલીસી અપનાવવી તે ભુલ હતી. તેમણે જો કે જણાવ્યું કે હવે ભૂ-રાજનીતિક અને સુરક્ષા સ્થિતિ પુરી રીતે બદલાઈ ગઈ છે તેથી તે સમયના નિર્ણયો સંદર્ભમાં કોઈ અનુમાન મુકવુ મુશ્કેલ છે.
તેમણે કહ્યું કે લેફ. જનરલ થોરાટે 1962માં વાયુસેનાના ઉપયોગ કરવા અંગે વિચાર કર્યો હતો પરંતુ તત્કાલીન સરકાર (જવાહરલાલ નહેરુ સરકાર) તરફથી મંજુરી મળી ન હતી. જો વાયુસેનાનો ઉપયોગ કરાયો હોત તો ચીનની આગેકૂચ રોકી શકાઈ હોત.
એટલું જ નહી ભારતીય સેનાને પણ વળતી લડત આપવામાં સમય મળી શકયો હોત. જો કે તેમણે કહ્યું કે તે સમયે વાયુસેનાનો ઉપયોગ ન કરવો એક તક ચુકવા જેવું બની ગયું છે.
ટર્ન એરાઉન્ડ સમય અનુકુળ ભૂગોળ અને અધિકતમ પેલોડની ક્ષમતાને કારણે ભારતીય વાયુસેના ચીન પર ભારે પડી શકી હોત. પરંતુ તે સમયે હવાઈદળનો ઉપયોગ એ આક્રમકતા જેવું ગણવામાં આવ્યું અને તેથી જ તે ન થયું તેવું માની શકાય છે.