Mumbai,તા.25
પુરુષ-પ્રધાન સમાજમાં બહુ ઓછી સ્ત્રીઓ માનસિક રીતે સ્વતંત્ર રહી પોતાનો માર્ગ જાતે કંડારી શકે છે. શરૂઆતના યુવાનીના વરસોમાં પોતાના હકની આઝાદી ભોગવ્યા બાદ એની માનસિકતા પાછલી વયે બદલાવાની શક્યતા રહે છે. બોલીવૂડમાં એક દિવા છે ૫૧ વરસની ઉંમરે પણ પોતાની લાઈફ પોતાની રીતે જીવે છે અને માણે છે. નામ છે મલઈકા અરોરા. ૨૦-૨૨ વરસની એકટ્રેસને પણ શરમાવે એવી ફિટનેસ ધરાવતી આ ગ્લેમર ક્વિન કોઈ પ્રકારનો રંજ રાખવાનું શીખી નથી. એની ડિક્શનરીમાં ડર, અફસોસ કે ચિંતા જેવા શબ્દો જ નથી. પોતાના કરતા ૧૨ વરસ નાના અર્જુન કપૂર સાથે વરસો સુધી બેધડક અફેરમાં રહી એક યુવાન દીકરાની મમ્મીએ પોતાની નિર્ભીકતાનો પુરાવો આપ્યો હતો.
હમણાં એક ન્યુસ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની મલઈકાએ પોતાની પર્સનાલિટી વિશે બહુ ખુલીને વાત કરતા કહ્યું, ‘મારી લાઈફ કોઈ પ્રકારના આડંબર કે ભય વિના મેં મારી રીતે મુક્તપણે ખેડેલો પ્રવાસ છે. હું કોઈ પ્રકારનો ગભરાટ મનમાં રાખ્યા વિના પોતે જેવી છું એવી જ રહી છું પછી એ ફિટનેસ, ફેશન હોય કે મારી પર્સનલ લાઈફ હોય, મારા ઓપિનિયનમાં કોન્ફિડન્સ એટલે માત્ર પરફેક્શન નહિ, એની સાથે ઓથેન્ટિસિટી પણ હોવી જરૂરી છે.’
એમ ટીવી ઇન્ડિયાની વીડિયો જોકી (વીજે) તરીકે કરિયર શરૂ કરનાર પંજાબી ક્રિશ્ચિયન પરિવારની આ માનુનીએ મોડલિંગની દુનિયામાં પ્રવેશતાવેંત પોતાનો સિક્કો પાડી દીધો. મલઇકા આજે ૩૦ વરસ પછી પણ દેશની એક હાઇએસ્ટ પેઈડ મોડલ છે. આલ્બમ સોંગ્સ ઉપરાંત એ બોલીવુડમાં પણ એ ‘છૈયા છૈયા’ અને ‘મુન્ની બદનામ હુઈ’ જેવા આઇટમ સોંગ્સ કરીને છવાઈ ગઈ. મિસ અરોરાએ ‘કાંટે’ (૨૦૦૨) અને ‘ઇએમઆઈ’ (૨૦૦૮) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ કોઈક અકળ કારણસર એણે ફુલ ફ્લેજ્ડ એકટ્રેસ બનવામાં કદી રસ નથી દાખવ્યો.
ઘણી બ્યુટી પ્રોડકટ્સની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચુકેલી મલઈકાના મેકઅપ વિશે પોતાના મંતવ્યો છે. થોડીક ટિપ્સ આપતા દિવા કહે છે, ‘મેકઅપ કદી પણ હેવી ન લાગવો જોઈએ એવું હું હમેશાં માનતી આવી છું. તમારો મેકઅપ તમને સેકન્ડ સ્કિન (ત્વચા) જેવો લાગવો જોઈએ. મેકઅપમાં મને લિપસ્ટિક સૌથી ગમતી વસ્તુ છે. ખાસ તો એટલા માટે કે લિપસ્ટિક લગાડવાવેંત આપણો મૂડ તરત સુધરી જાય છે અને કોન્ફિડન્સ વધે છે. લિપસ્ટિકમાં એ ચમત્કારી ગુણ છે. એને તમે ઇન્સ્ટંટ મૂડ-લિફટર કહી શકો. એ એક નાનકડી પ્રોડક્ટ છે અને છતાં એનો યોગ્ય શેડ આપણને બોલ્ડ, કોન્ફિડન્ટ, રમતિયાળ અને રોમાંટિક બનાવી દે છે.’