Surat તા.26
સુરત શહેરમાં ગુજરાત સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા મસમોટા સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કરવામા આવ્યો છે અને તેમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશવ્યાપી આ કૌભાંડનો આંકડો 804 કરોડનો છે અને તેમાં 482 બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ગુજરાત સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા ખુલ્લા પાડવામાં આવેલા હતા. કૌભાંડની પ્રાથમીક વિગતો પ્રમાણે સાયબર માફીયાઓ દ્વારા ઓનલાઈન ફાઈનાન્સીયલ ફર્મના નામે લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી હતી.
રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં સાયબર ફ્રોડ હેલ્પલાઈન નંબરમાં તે વિશે 1549 ઓનલાઈન ફરિયાદો નોંધાઈ હતી અને તેના આધારે દેશભરના જુદા-જુદા રાજયોમાં 22 એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
મસમોટા કૌભાંડનો પર્દાફાશ થવા સાથે તપાસનીશ ટીમોએ જુદા-જુદા શખ્સોની ઓફિસો તથા રહેઠાણ પર દરોડા પાડયા હતા અને 10 શખ્સોની ધરપકડ કરી હતી. જયાંથી 529 બેંક એકાઉન્ટ કિટસ, 447 એટીએમ કાર્ડ, 686 સીમકાર્ડ, 60 મોબાઈલ, બે લેપટોપ, 17 કયુઆર કોડ તથા 11 સાઉન્ડબોકસ કબ્જે કર્યા હતા.
સૂત્રોના કહેવા પ્રમાણે 804 કરોડના આ સાયબર ફ્રોડમાં ગુજરાતમાંથી પણ 17.75 કરોડની છેતરપીંડી આચરવામાં આવી હતી. 10 શખ્સોની ધનિષ્ઠ પુછપરછ હાથ ધરવામાં આવી છે. નવા ચોંકાવનારા ખુલાસા થવાની સાથે વધુ કેટલાક શખ્સોની ધરપકડ થવાની શંકા છે. સાયબર ફ્રોડનું આ સૌથી મોટુ કૌભાંડ ખુલ્યાનું માનવામાં આવી રહ્યું છે.