અત્યાર સુધી આ કચરાનો વિવિધ સ્થળે ખાતર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો
Ahmedabad, તા.૨૯
અમદાવાદમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કર્યા બાદ હવે જૈવિક કચરામાંથી બાયો-સીએનજી બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. પીરાણા, ગ્યાસપુર અથવા અન્ય યોગ્ય સ્થળે અંદાજે ૬૦ હજાર ચોરસ મીટર એટલે કે ૧૭ એકર જમીનમાં રૂ. ૧૨૫ કરોડના ખર્ચે બાયો-સીએનજી ઉત્પાદન કેન્દ્ર સ્થાપવાનું આયોજન છે. આ માટે જાહેર-ખાનગી ભાગીદારી પદ્ધતિથી ખાનગી કંપનીઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે.
અમદાવાદમાં દરરોજ શાકભાજી અને ફળોની છાલ, બગડેલો ખોરાક, પાંદડાં, ડાળખીઓ સહિતનો આશરે ૨ હજાર ટન જૈવિક કચરો નીકળે છે. અત્યાર સુધી આ કચરાનો વિવિધ સ્થળે ખાતર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ જ કચરામાંથી બાયો-સીએનજીનું ઉત્પાદન કરવામાં આવશેપ્રસ્તાવિત કેન્દ્રમાં દરરોજ ૪૦૦ ટન કચરાનો ઉપયોગ કરીને આશરે ૨૦ હજાર કિલો બાયો-સીએનજીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉત્પાદિત બાયો-સીએનજીનું વેચાણ બજારમાં કરી શકાશે. આ ઉપરાંત કચરાની પ્રક્રિયામાંથી ખાતર સહિતની અન્ય ઉપયોગી સામગ્રી પણ પ્રાપ્ત થશે, જેના વેચાણથી સંચાલક કંપનીને આવક મળી શકશે. આ યોજનામાં પ્લાન્ટની રચના, બાંધકામ અને સંચાલનની જવાબદારી ખાનગી કંપનીની રહેશે. કંપનીએ પોતાના ખર્ચે જરૂરી માળખું ઊભું કરવાનું રહેશે.
કામગીરી શરૂ થયા બાદ નિર્ધારિત શરતો અનુસાર કંપની પાસેથી આવકનો ચોક્કસ હિસ્સો મહાનગરપાલિકાને મળવાનો રહેશે.પ્લાન્ટ સ્થાપવા માટે પસંદ કરાયેલી જગ્યાએ જરૂરી સંગ્રહ વ્યવસ્થા, પ્રયોગશાળા અને ગંદા પાણીના ભૌતિક-રાસાયણિક શુદ્ધિકરણ માટેનું એકમ સહિતની સુવિધાઓ ઊભી કરવી પડશે. કામગીરી સોંપાયા બાદ ૧૮ મહિનાની અંદર પ્લાન્ટ શરૂ કરવો ફરજિયાત રહેશે. આ યોજનાથી શહેરના જૈવિક કચરાનો વધુ ઉપયોગી રીતે નિકાલ થઈ શકશે અને કચરામાંથી બાયો-સીએનજી તથા અન્ય ઉપયોગી સામગ્રીનું ઉત્પાદન થઈ શકશે.

