Bhuj,તા.૨
રક્ષામંત્રી રાજનાથ સિંહે વિજયાદશમી પર ગુજરાતની ધરતી પરથી પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમણે કહ્યુ કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારતની ડિફેન્સ સિસ્ટમ ભેદવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, અમારી સેનાએ તેનો વળતો જવાબ આપ્યો. રક્ષામંત્રીએ કહ્યુ કે જો સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કોઈ હિમાકત કરવામાં આવી તો તેની ભૂગોળ બદલી નાખવામાં આવશે.
રક્ષામંત્રીએ વિજયાદશમીના પર્વ પર ગુજરાતના કચ્છમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે ભારતીય સૈનિકોને સંબોધિત કરતા કહ્યુ ’ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને લેહથી લઈને સર ક્રીકના આ વિસ્તાર સુધી ભારતની ડિફેન્સ સિસ્ટમને ભેદવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જ્યારે ભારતીય સેનાએ પોતાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને ઉજાગર કરી અને દુનિયાને તે સંદેશ આપ્યો કે ભારતની સેનાઓ જ્યારે ઈચ્છે, જ્યાં ઈચ્છે અને જે રીતે ઈચ્છે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે.’
તેમણે કહ્યું, “આઝાદીના ૭૮ વર્ષ છતાં, સર ક્રીક વિસ્તારમાં હજુ પણ સરહદ વિવાદ ઉભો થઈ રહ્યો છે. ભારતે વારંવાર વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પાકિસ્તાનના ઇરાદા ખામીયુક્ત અને અસ્પષ્ટ છે. સર ક્રીકને અડીને આવેલા વિસ્તારોમાં તેના લશ્કરી માળખાગત સુવિધાઓના તાજેતરના વિસ્તરણથી તેના ઇરાદા છતી થાય છે.”
રાજનાથ સિંહે કહ્યુ, ’ભારતની સરહદોની રક્ષા ભારતીય સેનાઓ અને બીએસએફ મળી મજબૂતીથી કરી રહી છે. જો સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કોઈ હિમાકત કરવામાં આવી તો તેનો એવો જવાબ આપવામાં આવશે કે ઈતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે. પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે કરાચીનો એક રસ્તો ક્રીકથી થઈ પસાર થાય છે.’