Mumbai,તા.03
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર અભિષેક શર્મા એશિયા કપ 2025નો ખિતાબ જીત્યા બાદ ભારત પરત આવ્યો છે. અભિષેક શર્મા હવે પોતાના બહેન કોમલના લગ્નમાં વ્યસ્ત છે. જેમાં 30 સપ્ટેમ્બરથી કોમલના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં કેટલા વીડિયો સામે આવ્યા છે. જેમાં અભિષેક શર્મા બહેનના લગ્ન પહેલા જીજાજી સાથે જોરદાર ભાંગડા ડાન્સ કરતો જોવા મળે છે. એશિયા કપ 2025ની સફળતા બાદ અભિષેક બહેનના લગ્નની વિધિમાં પહોંચ્યો હતો. જેમાં બહેનના લગ્ન પહેલા અભિષેક જીજાજી સાથે પંજાબી ગાયક રંજીત બાવા સાથે મંચ પર ડાન્સ કરતો નજરે ચડે છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહ પણ ત્યાં અભિષેક સાથે જોવા મળ્યા હતા. જ્યારે બીજા એક વીડિયોમાં અભિષેક તેના થનારા જીજાજી લવિશ ઓબેરોય સાથે ભાંગડા કરતો જોવા મળે છે. આ વીડિયો 30 સ્ટેમ્બર શગુન સમારોહનો છે. અભિષેકે એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યુ અને તેણે દરેક મેચમાં ભારતને મજબૂત શરૂઆત અપાવી. આ સમયગાળા દરમિયાન અભિષેકે સતત ત્રણ અડધી સદી પણ ફટકારી. આ સ્ટાર બેટરને સાત ઇનિંગ્સમાં 44.85ની સરેરાશ અને 200ના સ્ટ્રાઇક રેટથી 314 રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે નામાંકિત થવા બદલ તેને કાર પણ મળી છે. નોંધનીય છે કે, તેણે આ સમયગાળા દરમિયાન સુપર ફોરની બધી મેચોમાં 50+ રન બનાવ્યા હતા, જેમાં પાકિસ્તાન સામે 74 રનની ઇનિંગ્સનો પણ સમાવેશ થાય છે.