Mumbai,તા.06
ટીમ ઈન્ડિયાના ધૂરંધર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે કેપ્ટન બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, ‘એક દિવસ હું પણ કેપ્ટન બનવા માગુ છું.’ આ જ કારણ છે કે, તે દરરોજ પોતાની ફિટનેસ અને સ્કિલ પર વિચાર કરે છે અને તેના પર કામ કરે છે. હાલ માટે ટીમ ઈન્ડિયા ટ્રાન્જિશનના ફેઝમાં છે. લગભગ તેની જ ઉંમરનો શુભમન ગિલ ટેસ્ટ તથા વન-ડે કેપ્ટન છે અને T20 ટીમનો વાઈસ કેપ્ટન છે. જ્યાં 2026 T20 વર્લ્ડ કપ પછી તેને ત્રણેય ફોર્મેટના કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
કેપ્ટનશીપ અંગે ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલે એક પોડકાસ્ટમાં કહ્યું કે, ‘હું દરરોજ મારી ફિટનેસ અને મારી સ્કિલ પર કામ કરી રહ્યો છું. હું મારા બોડી વિશે શીખી રહ્યો છું, કારણ કે ધીમે-ધીમે મને લાગે છે કે મારે ફિટ થવાનું છે અને વધુ મહેનત કરવાની છે તથા મારી સ્કિલને નિખારવાની જરૂર છે. અત્યારે હું દરરોજ મારા પર કામ કરી રહ્યો છું. હું એક લીડર કેવી રીતે બની શકું તે માટે મારી જાત પર કામ કરી રહ્યો છું. હું કેપ્ટન બનવા માગુ છું. હું એક ટીમની કેપ્ટનશીપ કરવા માગુ છું.’23 વર્ષીય યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે. તેણે અત્યાર સુધીમાં 25 ટેસ્ટ, એક વન-ડે અને 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 2200થી વધુ રન પણ બનાવ્યા છે. ઓપનર તરીકે તેનું સ્થાન લાંબા સમય સુધી નિશ્ચિત છે, પરંતુ હાલમાં તે વન-ડે અને T20 ટીમોમાં સ્થાન નથી મેળવી શક્યો. જો તેને સ્થાન મળે તો પણ તે ફક્ત બેકઅપ ઓપનર તરીકે ટીમમાં રહેશે, કારણ કે શુભમન ગિલ અને રોહિત શર્મા હાલમાં ઓપનર છે. રોહિત શર્માની નિવૃત્તિ પછી યશસ્વીને તકો મળવાની શરૂ થઈ જશે.