New Delhi, તા.7
સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક કેસમાં પત્નીની ફોન રેકોર્ડિંગ્સને પુરાવા તરીકે ઉપયોગ કરવાની માંગ કરતી પતિની અરજી સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પતિના આ કાર્યથી કોઈપણ કાયદાનો ભંગ કરતુ નથી. પતિએ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના વિના તેની પત્નીની ફોન પરની વાતચીત રેકોર્ડ કરી હતી.
દેશની સર્વોચ્ચ અદાલતે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને પણ ઉલટાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પતિ તેની પત્નીની સંમતિ વિના રેકોર્ડ કરેલી વાતચીતને પુરાવા તરીકે રજૂ કરી શકતો નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે આ છૂટાછેડાની કાર્યવાહીમાં ગોપનીયતાના તેના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન હશે.
આખો કેસ દંપતીના છૂટાછેડાને લગતો છે. આ દંપતીએ 20 ફેબ્રુઆરી, 2009 ના રોજ લગ્ન કર્યા હતા અને 11 મે, 2011ના રોજ તેમને એક પુત્રીનો જન્મ થયો હતો. જોકે, ચાલુ વૈવાહિક વિવાદોને કારણે, પતિએ 7 જુલાઈ, 2017ના રોજ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. ત્યારબાદ, 3 એપ્રિલ, 2018 ના રોજ, તેમણે છૂટાછેડા અરજીમાં સુધારો કર્યો અને 7 ડિસેમ્બર, 2018 ના રોજ ચકાસણી માટે પોતાનું સોગંદનામું રજૂ કર્યું હતું.
બાદમાં, 9 જુલાઈ, 2019 ના રોજ, પતિએ મોબાઇલ ફોનના મેમરી કાર્ડ/ચિપ, કોમ્પેક્ટ ડિસ્ક અને રેકોર્ડ કરેલી વાતચીતના ટ્રાન્સક્રિપ્ટ સહિત પુરાવા રજૂ કરવાની પરવાનગી માંગી હતી.
પતિએ જણાવ્યું કે નવેમ્બર 2010 અને ડિસેમ્બર 2010 વચ્ચે, તેમજ ઓગસ્ટ 2016 અને ડિસેમ્બર 2016 ની વચ્ચે, તેઓએ ઘણા ફોન કોલ્સ રેકોર્ડ કર્યા હતા, જે તેણે મોબાઇલ ફોનના મેમરી કાર્ડ/ચિપમાં સેવ કર્યા હતા. તેણે આ રેકોર્ડ કરેલી વાતચીતોની ટ્રાન્સક્રિપ્ટ પણ તૈયાર કરી હતી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કલમ 122 હેઠળના અપવાદનું અર્થઘટન ન્યાયી ટ્રાયલના અધિકારના પ્રકાશમાં થવું જોઈએ, જે બંધારણના અનુચ્છેદ 21 નો પણ એક પાસું છે. તેવી જ રીતે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં ગોપનીયતાનું કોઈ ઉલ્લંઘન થયું નથી અને પુરાવા કાયદાની કલમ 122 આવા અધિકારને માન્યતા આપતી નથી.

