France,તા.07
ફ્રાન્સના વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુંએ પોતાના નવા પ્રધાનમંડળની જાહેરાત કર્યાંના કલાકોમાં જ વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દેવાની આંચકાજનક જાહેરાત કરતાંની સાથે ફ્રાન્સ ફરી એકવાર રાજકીય કટોકટીની ગર્તામાં સરી પડયું છે. બે વર્ષથી ઓછાં સમયગાળામાં પાંચ વડાપ્રધાનમાંથી એક પણ વડા પ્રધાન સ્થિર બહુમતિ પ્રાપ્ત ન કરી શકતાં પ્રમુખ ઇમાન્યુએલ મૈક્રોં માટે હવે ઝાઝાં વિકલ્પો રહ્યાં નથી. બીજી તરફ સરકારના કરકસરના પગલાંંઓ સામે લોકોમાં સતત રોષ વધી રહ્યો છે.
વડાપ્રધાન લેકોર્નુએ અચાનક રાજીનામું આપી દેતાં પ્રમુખ મૈક્રોં હવે ચોતરફથી ઘેરાઇ ગયા છે. તેમની પાસે નવેસરથી સંસદીય ચૂંટણી યોજવાનો અથવા પ્રમુખપદેથી રાજીનામું આપી દઇ નવેસરથી પ્રમુખની ચૂંટણી યોજવાનો વિકલ્પ બચ્યો છે. મોટાભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તેઓ સંસદીય ચૂંટણી યોજવાનો વિકલ્પ અજમાવશે. અન્ય વિકલ્પ નવા વડાપ્રધાનની નિમણૂક કરવાનો છે પણ પાંચ પ્રયોગો નિષ્ફળ ગયા પછી હવે કોઇ આ જોખમ લે તેવું લાગતું નથી. વર્ષ ૨૦૨૪માં યોજાયેલી ચૂંટણીઓમાં ફ્રાન્સની પ્રજાએ એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતિ ન આપી મૈક્રોંના આર્થિક સુધારાનો સમય પુરો થઇ ગયો હોવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો પણ મૈક્રોં પોતે હજી આ પરિણામોની અસરમાંથી બહાર આવ્યા હોય તેમ લાગતું નથી.
લેકોર્નુઁએ અઠવાડિયાઓનો સમય લીધાં બાદ પણ મૈક્રોંના વફાદાર પ્રધાનોને જાળવી રાખવાનો નિર્ણય લેતાં તેના આકરાં પ્રત્યાઘાત પડયા હતા. સરકાર તમામ પક્ષોના ટેકો પર ટકી રહી હોવાથી દરેક પક્ષને પ્રધાન મંડળમાં સ્થાન આપી સર્વસમાવેશક પ્રધાનમંડળની રચના કરાશે તેવી ધારણાં ખોટી પડતાં રાજકીય પક્ષોએ વડાપ્રધાનની આકરી ટીકા કરી તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની ધમકી આપી હતી.
બીજી તરફ લેકોર્નુંએ જણાવ્યું હતું કે મત વિના કોઇ કાયદો મંજૂર કરવામાં નહીં આવે તેવી મારી ઓફર અન્ય પક્ષોને અપૂરતી જણાઇ હતી.
નમ્રતાનો અભાવ અને ચોક્કસ પ્રકારના અહંકારને કારણે સરકાર રચવાનું કામ ખોરંભે પડે તેમ હોઇ વડા પ્રધાન બનવાની સ્થિતિ જ નહોતી. રાજકીય પક્ષો નેશનલ એસેમ્બલીમાં તેમની બધાની બહુમતિ હોય એમ વર્તી રહ્યા હતા. રવિવારે જાહેર કરવામાં આવેલી પંદર પ્રધાનોની કેબિનેટમાં મૈક્રોંના પક્ષના દસ પ્રધાનોને રિપિટ કરવામાં આવતાં જે ડાબેરી પક્ષોને પ્રતિનિધિત્વ ન મળતાં તેમણે વિરોધ કર્યો હતો. ફ્રાન્સનાજમણેરીઓની લાગણીનો પડઘો પાડતાં નેશનલ રેલીના પ્રમુખ જો બોરડેલાએ જણાવ્યું હતું કે અમે વડા પ્રધાનને સ્પષ્ટ જણાવ્યું હતું કાં તો પ્રતિનિધિત્વ કાં અવિશ્વાસની દરખાસ્ત. બોરડેલાએ સરકારના પતન માટે મૈક્રોંને જવાબદાર ઠેરવી ફ્રેન્ચ સંસદના વિસર્જનની માગણી કરી હતી. અન્ય એક મૈક્રોંના વડાપ્રધાનને તમે ટેકો આપશો તેવા સવાલના જવાબમાં જમણેરી નેતા મરીન લા પેને જણાવ્યું હતું કે આ જોક હવે પુરી થઇ ગઇ છે. હવે કોઇ વિકલ્પ રહ્યો નથી.