Vadodara, તા.14
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી માસુમ બાળકોના મોતની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. આ તપાસ ના ધમધમાટ વચ્ચે વડોદરાના ડભોઇ થી કફ સિરપ પીવાથી વધુ બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.વડોદરા જિ.ના ડભોઇના સિતપુરમાં મજૂરી અર્થે આવેલા શ્રમજીવીના બે બાળકોને કોઇ લેભાગુ તબીબે કફ સિરપ આપતા હાલત ગંભીર બની હતી.
બંનેને ડભોઇની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. હાલમાં બંનેની તબીયત સુધારા પર હોવાનું જાણવા મળ્યુ છે.જોકે ઘટના બાદ બે દિવસથી તબીબ ફરાર હોવાનું જાણવા મળ્યુ છે. ડભોઇ તાલુકાના સીતપુર ગામે સિદ્ધપુર નજીકના એક શ્રમજીવી પરિવાર બે બાળકો લઇને મજુરી અર્થે આવ્યુ હતું. ત્યારે બદલાતી મોસમથી ત્રણ વર્ષના રાજવીર અને પાંચ વર્ષના સારંગાની તબિયત બગડી હતી. જેથી ગામના જ ખાનગી તબીબ પાસે બતાવ્યું હતું.
ગામમાં તાજેતરમાં એક લેભાગુ તબીબે નવુ જ દવાખાનું શરૂ કર્યુ હતું. આ તબીબે હાલમાં પ્રતિબંધિત કફ સિરપ બાળકોને આપ્યુ હતું. જે લીધા બાદ બંનેની તબિયત અચાનક લથડી હતી. જેથી ગભરાયેલા શ્રમજીવીએ બંનેને નાજુક હાલતમાં પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં ખસેડતાં તેમને આઈસીયુમાં દાખલ કરી તુરંત સારવાર શરૂ કરાઇ હતી. હાલ બંનેની તબિયત સુધારા પર છે. પરંતુ તબીબ ફરાર છે.
વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બોગસ તબીબો દ્વારા લોકોના આરોગ્ય સામે ખતરનાક ખીલવાડ કરવામાં આવતો હોય છે. જેમાં અંતરિયાળ ગામોમાં ધિકતો ધંધો કરનારા આવા તબીબો સામે જિલ્લાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવી જરૂરી બની છે.