ડોક્યુમેન્ટ આપવાના બહાને બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી ફરાર થઇ ગયો’તો ક્રાઇમ બ્રાન્ચે કુવાડવા ગામ નજીકથી દબોચ્યો
Rajkot, તા. ૧૫ઃ
શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગત તા. ૨૪-૯ ના રોજ સગા બનેવી વિમલ વાણીયાને પ્રેમલગ્નનો ખાર રાખી સાળાએ સરાજાહેર છરીના ઘા ઝીંકી રહેસી નાખ્યો હતો. બનેવીને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ જનાર કમલેશ ઉર્ફે કાનો રબારીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુવાડવા ગામ નજીકથી ઝડપી પાડ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગઈ તા. ૨૪-૯ ના સહકારનગર મેઇન રોડ પર જમનાનગર શેરી નંબર ૪ માં રહેતા વિમલ ધમેન્દ્રભાઇ વાણીયા નામના યુવાનને આરસીબુકના આપવાના બહાને ભક્તિનગર સર્કલ પાસે બોલાવી તેના સાળા કમલેશ ઉર્ફે કાનાએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જે અંગે મૃતકના માતા ભારતીબેન ધર્મેન્દ્રભાઇ વાણીયાની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધાયો હતો. પોલીસે જે તે સમયે રાકેશ જોગરાણા નામના આરોપીને ઝડપી લીધો હતો. પરંતુ મુખ્ય સૂત્રધાર કમલેશ ઉર્ફે કાનો પોલીસને હાથ લાગ્યો ન હતો.રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા ગામ પાસેથી હત્યા પ્રકરણના મુખ્ય આરોપી કમલેશ ઉર્ફે કાનો લાખાભાઈ ધાંધળ(ઉ.વ. ૨૫ રહે. શિવધારા સોસાયટી શેરી નંબર ૨, ખોખડદળ પુલની બાજુમાં, કોઠારીયા રીંગરોડ)ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ હત્યા પ્રકરણમાં હજુ એક આરોપી પોલીસને હાથ લાગ્યો ન હોય તેને ઝડપી લેવા શોધખોળ યથાવત રાખી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી કમલેશ ઉર્ફે કાનાની બહેન શીતલે ભોગ બનનાર વિમલ વાણીયા સાથે પ્રેમલગ્ન કર્યા હોય જે બાબતે અદાવત ચાલતી હતી. આ પ્રેમલગ્નનો ખાર રાખી કમલેશે બનેવીને ભક્તિનગર સર્કલ પાસે સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.

