પીસીબી ટીમે ત્રાટકી ૮૬૪ બોટલ દારૂ કબ્જે કર્યો આર્થિક ખેંચ દૂર કરવા ત્રણ મહિનાથી ગોવાથી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂ મંગાવી વેંપલો કરતો’તો
Rajkot, તા. ૧૫ઃ
શહેરના વાવડી ૮૦ ફુટ રોડ પર ખોડલ ટાવરમાં આવેલ દુકાનમાં દરોડો પાડી પીસીબી ટીમે રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનાં વેપારીની ધરપકડ કરી હતી. વેપારી અહીં ભાડે દુકાન રાખી કેમિકલના ધંધાની આડમાં દારૂનો વેપલો કરતો હતો. આરોપી ગોવાથી ત્રણ મહિનાથી દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફત મંગાવી છૂટકમાં વેંપલો કરતો હતો.પીસીબીને મળેલી હકીકતના આધારે વાવડી ૮૦ ફુટ રોડ પર વ્રજ ચોક પાસે ખોડલ ટાવર્સ દુકાન નંબર આઠમાં દરોડો પાડ્યો હતો.
પોલીસે અહીં દુકાનમાંથી રૂપિયા ૨.૫૯ લાખની કિંમતનો ૮૬૪ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂના આ જથ્થા સાથે પોલીસે દીપેન છગનભાઈ લાડાણી (ઉ.વ. ૩૮ રહે. સોમનાથ એપાર્ટમેન્ટ ૩૦૩, સુખસાગર મેઇન રોડ, ગોવર્ધન ચોક, ૧૫૦ ફૂટ રીંગરોડ) ને ઝડપી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી અહીં દુકાન ભાડે રાખી કેમિકલનો વેપાર કરે છે. જેની આડમાં તે દારૂનો વેપલો કરતો હતો. ત્રણેક મહિના પૂર્વે તે ગોવાથી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂ જથ્થો મગાવ્યો હતો. અહીં માનીતા ગ્રાહકોને દારૂ સપ્યાલ કરતો હતો. આર્થિક સંકડામણના લીધે તેણે દારૂનો વેપલો શરૂ કરી દીધાનું રટણ કર્યું હતું.

