New Delhiતા.18
દેશમાં તા.4 ઓકટોબરથી એક જ દિવસમાં અને તેમાં પણ ત્રણ કલાકમાં જ ચેક કલીયરીંગની સીસ્ટમ અપનાવ્યાના લગભગ એક પખવાડીયા પછી પણ હજું દેશભરમાં એક જ દિવસમાં ચેક કલીયર થતા નથી અને કયારેક કયારેક તો 12-13 દિવસ જેવો સમય લાગે છે તેમાં હવે રિઝર્વ બેંકે કહ્યું છે કે નવી સીસ્ટમ લાગુ થતા હજુ એક પખવાડીયુ જશે અને આ માટે બેંક પ્રયત્ન કરી રહી છે.
જો કે અનેક શહેરોમાં ચેક કલીયર થવામાં પણ ગોટાળા થાય છે. રાજકોટમાં જ એક ચેક રૂા.1 લાખનો હતો તે ખાતેદારના ખાતામાં રૂા.બે લાખ તરીકે જમા થઈ ગયો જે બાદ બેંકને દોડાદોડી થઈ ગઈ હતી તે સમયે બેંકો બચાવ કરે છે કે નવી સીસ્ટમ છે.
ટેકનીકલ ક્ષતિ છે અને સ્ટાફ પણ તાલીમબદ્ધ નથી. ધીમે ધીમે સ્ટાફને આ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે પરંતુ સમગ્ર સીસ્ટમ પુરી રીતે લાગુ થતા હજુ એક પખવાડીયા જેટલો સમય લાગશે.
જો કે આ સીસ્ટમ સંભાળનાર નેશનલ પેમેન્ટ કલીયરીંગ ઈન્સ્ટીટયુટ દાવો કરે છે કે મોટાભાગની ક્ષતિઓ દુર થઈ ગઈ છે અને તબકકાવાર વધુ સારી રીતે તે કામ કરશે પરંતુ દિવાળીના તહેવારો સમયે જ જે રીતે સીસ્ટમ કામ કરી રહી છે તેનાથી વ્યાપારીઓ માટે મોટી મુશ્કેલીઓ સર્જાય છે.