Maharashtra, તા.18
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં આઠ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. નંદુરબારના ચાંદશાલી ઘાટ પર યાત્રાળુઓને લઈ જઈ રહેલું પિકઅપ વાહન કાબૂ ગુમાવીને ખીણમાં પલટી મારી જતાં આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.
નંદુરબાર પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે અને અન્ય આઠ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ યાત્રાળુઓ પવિત્ર અષ્ટમ્બ યાત્રા પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ચાંદસાલી ઘાટ પરથી પસાર થતી વખતે પિકઅપ વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે વાહન ખીણમાં પલટી મારી ગયું હતું.
પિકઅપ પલટી જતાં વાહનની પાછળ બેઠેલા લોકો તેની નીચે કચડાઈ ગયા હતા. ઘણાં લોકોને ગંભીર ઈજાઓ થઈ અને તેમના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. જ્યારે પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ બચાવવા પહોંચ્યા ત્યારે દ્રશ્ય અત્યંત હૃદયદ્રાવક હતું, જ્યાં ઘણાં મૃતદેહો રસ્તા પર અને વાહનની નીચે પડેલા હતા.