Jamnagar તા.27
જામનગર શહેર-જિલ્લામાં તહેવારોના છ દિવસોમાં આપઘાતના પાંચ અને અપમૃત્યુના બે મળીને કુલ સાત બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. આપઘાતના પ્રથમ બનાવમાં ભાવનગર આવેલા પિયરમાં દીવાળી કરવા જવા માંગતા પ્રિયાબા યશપાલસિંહ જાડેજા(ઉ.વ.25)ને પિયરમાં દીવાળી કરવા જવા નહીં મળતાં તેણીએ તા.20મીએ દીવાળીની સાંજે શહેર નજીકના નાની લાખાણી ગામે પોતાના બેડમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસે મૃતકના પિતા ચંદ્રસિંહ નટુભા ગોહિલની જાહેરાત નોંધીને તપાસ હાથ ધરી છે.
આપઘાતના બીજા બનાવમાં તા. 22ના રોજ મેઘપર ગામે મનુભા કેરની ઓરડીમાં ભાડે રહેતા મુળ બીહારના પંચરૂખિયા જિલ્લાના 25 વર્ષના સંજીત મુખપાલ પાસવાનએ તા.રરની બપોરે 1 થી 6 ‘વાગ્યા દરમિયાન અગમ્ય કારણોસર ગાળાફાંસો ખાઈ લીધાની મકાનમાલિકના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાતના ત્રીજા બનાવમાં મોટી ખાવડી ગામે ચંદુ મારાજની ઓરડીમાં ભાડે રહેતા મુળ છત્તીસગઢના દેવચરણ નરેશ કેવટ નામના યુવાને કામ ન મળતું હોવાના સંતાપમાં તા.23ની બપોરે ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યાનો બનાવ મેઘપર પોલીસ ચોપડે -નોંધાયો છે. ચોથા બનાવમાં મેઘપર ગામે સ્મશાનમાં વૃક્ષમાં કોઈનું માથું લટકતું હોવાની પોલીસને જાણ થતાં મેઘપર પોલીસે જઈને તપાસ કરી તો એકાદ મહિના પહેલા કોઈકે ગળાફાંસો ખાધો હશે.
તેથી લટકતી લાશનો નીચેનો ભાગ પશુઓએ ફાડી ખાધેલો મળ્યો અને ઝાડમાં માથું લટકતું રહી ગયેલું જોવા મળ્યું હતું. પોલીસે આ અંગે ગામના જુવાનસિંહ કંચવાનું નિવેદન લઈ ઓળખ મેળવવા કાર્યવાહી કરી છે. આપઘાતના પાંચમા બનાવમાં કાલાવડ તાલુકાના ગુંદા ગામે તા.23મીની રાત્રે પત્નીએ દારુ પીવા પૈસા નહીં આપતાં અપ્રેમ ઉર્ફે બીટુ રમેશ મેહડા નામના 35 વર્ષના યુવાને ખેતરમાં વપરાતી ઝેરી દવા પી લેતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. પોલીસે મૃતકની પત્નીનું નિવેદન લઈને તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના બે બનાવોમાં ધ્રોલ ખાતે રહેતા અને છકડો રીક્ષા લઈને આસપાસના ગામડાઓમાં ફ્રુટ-શાકભાજી વેંચવાનો ધંધો કરતા સુરેશભાઈ બટુકભાઈ રાઠોડ ગત તા.8ના રોજ ધંધો કરીને ધ્રોલ પરત આવતા હતા ત્યારે લૈયારા ગામ પાસે ગાય આડી ઉતરતાં તેને બચાવવા જતાં રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. તેથી તેને પેટમાં અને કરોડરજ્જુમાં ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેનું રાજકોટ ખાતે તા.21ના રોજ મૃત્યુ થયું હતું.
જામનગર શહેરમાં ઈન્દ્રદીપ સોસાયટીમાં રહેતા મહેશભાઈ મુળશંકરભાઈ ભટ્ટ નામના એકલવાયું જીવન જીવતા વ્યક્તિનું બીમારી સબબ મૃત્યુ થતાં પોલીસે પડોશીનું નિવેદન નોંધીને મૃતકના સગા-સબંધીની તપાસ હાથ ધરી છે.

