Mumbai,તા.03
કપિલ દેવ, મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને હવે હરમનપ્રીત કૌર. ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા દિગ્ગજોની યાદીમાં હવે હરમનપ્રીતનું નામ પણ સામેલ થઈ ગયુ છે. 2005 અને 2017માં મળેલા હાર્ટબ્રેકમાંથી બહાર નીકળીને ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને મહિલા વનડે વર્લ્ડ કપ 2025નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ફાઈનલમાં કેપ્ટન હરમનપ્રીતનો માસ્ટરસ્ટ્રોક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો. ભલે તેણે બેટથી નોંધપાત્ર યોગદાન ન આપ્યું હોય, પરંતુ ફિલ્ડ પ્લેસમેન્ટથી લઈને બોલિંગમાં ફેરફાર સુધી દરેક બાબતમાં કેપ્ટન હરમનપ્રીત કૌર એકદમ સટીક રહી.
મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતથી અનેક રેકોર્ડ બન્યા. તેમાં સૌથી ખાસ રેકોર્ડ એ રહ્યો કે, પહેલીવાર ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ હારી ગયેલી ટીમ મહિલા વર્લ્ડ કપ જીતી ગઈ. આ અગાઉ આ કારનામું પુરુષ વર્લ્ડ કપમાં બે વાર થયુ હતું. જોકે, મહિલા ક્રિકેટમાં આવું પહેલી વાર બન્યું.
પુરુષ ક્રિકેટમાં પહેલા પાકિસ્તાને 1992માં અને ઈંગ્લેન્ડે 2019માં આ કારનામું કર્યું હતું. જોકે મહિલા ક્રિકેટમાં આવું પહેલી વાર બન્યું છે. કમાલની વાત એ હતી કે નોકઆઉટ સ્ટેજમાં પહોંચેલી ત્રણેય અન્ય ટીમો સામે ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજની મેચ હારી ગઈ હતી. જોકે, પહેલા સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવીને ટીમે ઈતિહાસ રચી દીધો છે.
કેપ્ટન હરમનપ્રીત કૌરે શું કહ્યું?
આ અંગે જ્યારે કેપ્ટન કેપ્ટન હરમનપ્રીત કૌરને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, મને સંપૂર્ણ વિશ્વાસ હતો કે ટીમ કમબેક કરશે. આ સાથે જ યજમાન હોવાના કારણે દર્શકો પાસેથી મળેલા પ્રેમને પણ તેનો શ્રેય આપ્યો. તેણે કહ્યું કે, ‘છેલ્લી મેચમાં પણ અમે વાત કરી હતી કે અમારી અંદર હજું પણ આત્મવિશ્વાસ છે, ભલે અમે સતત ત્રણ મેચ હારી ગયા હતા. અમને ખબર હતી કે અમારી પાસે કંઈક ખાસ છે જે પરિસ્થિતિને બદલી શકે છે. ટીમ હંમેશા પોઝિટિવ રહી. બધાને ખબર હતી કે અમારે શું કરવાનું છે. બધાએ દિવસ-રાત સખત મહેનત કરી અને આ ટીમ ખરેખર આ ટ્રોફીની હકદાર છે. હું ચાહકોની પણ ખૂબ આભારી છું. અમારા દરેક ઉતાર-ચઢાવમાં અમારી સાથે રહેવા બદલ આભાર.’
મેચ દરમિયાન હરમનપ્રીતે 21મી ઓવરમાં એક માસ્ટરસ્ટ્રોક ચલાવ્યો. તેણે ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનારી શેફાલી વર્માને ઓવર આપી. કેપ્ટનનો આ દાવ કામ કરી ગયો અને શેફાલીએ બેક-ટૂ-બેક બે ઓવરમાં દક્ષિણ આફ્રિકાને બે ઝટકા આપ્યા. આ અંગે હરમનપ્રીતે કહ્યું કે, ‘જ્યારે લૌરા અને સૂન બેટિંગ કરી રહી હતી, ત્યારે તેઓ ખૂબ જ સારું રમી રહી હતી. ત્યારે જ મેં શેફાલીને ફીલ્ડમાં ઉભેલી જોઈ. તે જે આત્મવિશ્વાસ સાથે રમી રહી હતી તેનાથી મને ખાતરી થઈ ગઈ કે આજનો દિવસ અમારો છે. મેં મારા દિલની વાત સાંભળી અને લાગ્યું કે તેણે ચોક્કસપણે એક ઓવર નાખવી જોઈએ અને તે જ અમારા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. જ્યારે તે ટીમમાં આવી હતી ત્યારે અમે તેને કહ્યું કે, અમને તેની પાસેથી 2-3 ઓવરની જરૂર પડી શકે છે તો તેણે તરત જ કહ્યું કે, “જો તમે મને બોલિંગ આપશો તો હું 10 ઓવર પણ ફેંકીશ. આનો સંપૂર્ણ શ્રેય તેને જાય છે.’
ફાઈનલમાં ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 299 રનનો ટારગેટ આપ્યો હતો. શરૂઆતમાં ભારતીય ટીમની બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે તે સરળતાથી 325થી વધુ રન સુધી પહોંચી જશે. પરતુ ત્યારબાદ ટીમ માત્ર 298 રન જ બનાવી શકી. આ અંગે હરમનપ્રીતે કહ્યું કે, ફાઈનલમાં પિચ બિલકુલ અલગ હતી. અમને ખબર હતી કે આ સ્કોર ફાઈનલ માટે પૂરતો છે, કારણ કે, ફાઈનલમાં હંમેશા વધારાનું દબાણ રહે છે. આપણે દક્ષિણ આફ્રિકાને પણ શ્રેય આપવો જોઈએ. તેઓએ ખૂબ સારી બેટિંગ કરી. જોકે, તેઓ છેલ્લે ગભરાઈ ગયા અને ત્યાં જ અમે તેનો લાભ ઉઠાવ્યો. દીપ્તિ યોગ્ય સમયે મેદાનમાં આવી અને જરૂરી વિકેટો ઝડપી.
કેપ્ટને કોચ અમોલ મજૂમદારના ખૂબ વખાણ કર્યા. તેણે કહ્યું કે, દરેક વર્લ્ડ કપ પછી અમે હંમેશા એ જ વિચારતા હતા કે તે અંતિમ રેખા કેવી રીતે પાર કરવી. અમોલ સર છેલ્લા બે વર્ષમાં ટીમ સાથે હતા. તેમણે હંમેશા અમને કંઈક અલગ અને ખાસ લાવવાનું અને મોટા અવસર માટે તૈયારી કરતા રહેવાનું કહ્યું છે. સપોર્ટ સ્ટાફ અને BCCIને પણ સંપૂર્ણ શ્રેય આપવો જોઈએ. અમે અમારી ટીમમાં ઘણા ફેરફારો નથી કર્યા. તેમણે અમારા પર વિશ્વાસ કર્યો અને બધાના સમર્થનથી અમે આજે અહીં ઊભા છીએ.
બીજી તરફ હરમનપ્રીત કૌરે ભાર મૂકીને અંતે કહ્યું કે, આ અંત નહીં આરંભ છે. ઈન્ડિયન ટીમ હવે તેને પોતાની હેબિટ બનાવી લેશે. તેણે કહ્યું કે, ‘આ તો માત્ર શરૂઆત છે. અમે આ દીવાલને તોડવા માગતા હતા, અને હવે અમારી આગામી યોજના છે તેને આદત બનાવવાની. અમે લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, અને હવે એ ક્ષણ આવી ગઈ છે. આગળ હજુ પણ મોટી તકો આવશે અને અમે સતત સુધારો કરતા રહેવા માંગીએ છીએ. આ અંત નથી, આરંભ છે.’
મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 298 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 246 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી શેફાલી વર્મા (87) અને દીપ્તિ શર્મા (58) એ અડધી સદી ફટકારી હતી. બીજી તરફ દક્ષિણ આફ્રિકા તરફથી કેપ્ટન લૌરા વોલ્વાર્ટે સદી ફટકારી હતી, પરંતુ તે આઉટ થતા જ ટીમ વિખેરાઈ ગઈ. આ ઉપરાંત બોલિંગમાં પણ દીપ્તિએ પાંચ અને શેફાલીએ બે વિકેટ લીધી હતી.

