New Delhi,તા.4
દેશમાં ઠંડીએ ટકોરા મારી દીધા છે. અનેક રાજયોમાં સવાર-સાંજ ગુલાબી ઠંડી વચ્ચે પશ્ચિમી ડિસ્ટર્બન્સ ફરીથી એકટીવ થઈ ગયું છે, તેની અસર આજે અને કાલે એટલે કે 4-5 નવેમ્બરે પશ્ચિમ ભારતમાં જોવા મળી શકે છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાના કારણે મેદાની રાજયોમાં પણ ઠંડી એકાએક વધી શકે છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ પંજાબ, હરિયાણામાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જયારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ સાથે બરફ વર્ષાનું અનુમાન છે.
હવામાન વિભાગે પહાડી રાજયો ઉપરાંત તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, આંદામાન નિકોબારમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આ રાજયોમાં હળવા વરસાદની સાથે વાદળ ગરજવાની અને વીજળીની સંભાવના છે.
રાજધાની દિલ્હીમાં સવારથી જ ઠંડી છવાઈ હતી. હળવું ધુમ્મસ પણ ફેલાયુ હતું. હવામાન વિભાગે નોર્થ-ઈસ્ટના રાજયોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ યાદીમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરાનું નામ સામેલ છે. જયારે આવતીકાલે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની સંભાવના છે.
મોંથા વાવાઝોડાની અસર ખતમ થતા યુપીમાં ફરી એકવાર હવામાન સાફ થઈ ગયુ છે. સવારે ધુમ્મસ રહેવાથી હવામાન શુષ્ક રહી શકે છે. બિહારમાં મોંથા વાવાઝોડાની અસર હજુ પણ જોઈ શકાય છે. આગામી 24 કલાકમાં વરસાદ થઈ શકે છે. ઠંડી વધી શકે છે.

