Gandhinagar.તા.5
ગુજરાતમાં અઠવાડિયા સુધી કમોસમી વરસાદ અને માવઠાના મારથી કૃષિક્ષેત્રને જંગી નુકશાની છે. રાહત-સહાય વિશે સરકારમાંથી પ્રારંભીક વિસંગતતા સર્જાતા ખેડુતોમાં મોટો ઉહાપોહ થયો હતો ત્યારે હવે સરકારે વ્હેલીતકે રાહત પેકેજ જાહેર કરવાની તૈયારી કરી લીધી છે.
આવતીકાલે રાજય કેબીનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ જાહેર થઈ શકે છે. ખેડુતોની ધિરાણ માફીની માંગ સ્વીકારવામાં આવે છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી રહી છે.
કૃષિ નુકશાનીમાં રાહત આપવા ખેડુતોની માંગ હતી. વિપક્ષી આક્ષેપો વચ્ચે સરકાર ભીંસમાં આવતા સર્વે વ્હેલો પુર્ણ કરીને વ્હેલીતકે પેકેજ જાહેર કરવાની ઘોષણા કરવામાં આવી હતી. ઉપરાંત ખુદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિમંત્રી પણ મેદાને આવ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગઈસાંજે જુનાગઢ-ગીર સોમનાથના અસરગ્રસ્ત ગામમાં ગયા હતા. ખેડુતોને રૂબરૂ મળ્યા હતા. કુદરતી આફતની નુકશાની સામે સરકાર પડખે જ રહેશે તેવુ આશ્વાસન અપાયુ હતું. કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ સુરત પંથકના અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને ખેડુતોને મળ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું છે કે, મોરબીની મુલાકાત બાદ ગાંધીનગર પરત પહોંચીને તુર્તજ ખેડુત-ખેત નુકશાની વિશે બેઠક યોજી હતી. નાયબ મુખ્યમંત્રી કૃષિમંત્રી તથા સચીવો પણ હાજર હતા. રૂબરૂ નિરીક્ષણના તારણ, ખેડુતોએ વર્ણવેલી સ્થિતિ વિશે ચર્ચા કરી હતી.
એમ મનાય છે કે, રાજયની આવતીકાલે કેબીનેટ બેઠક યોજાશે અને કૃષિ નુકશાની પેકેજને મંજુરી આપીને જાહેર કરી દેવામાં આવશે. રાહત પેકેજમાં ધિરાણ માફીની માંગ સ્વીકારાશે કે કેમ તેના પર મીટ છે.
રાજય સરકારે સર્વે ઝડપી બનાવ્યો જ હતો. 70 ટકા કામગીરી ગઈકાલે જ પૂર્ણ થઈ હતી. આજે સાંજ સુધીમાં નુકશાનીનો આખરી રિપોર્ટ થઈ જવા સાથે સરકાર રાહત પેકેજ તૈયાર કરીને કાલે જાહેર કરી દયે તેવી સંભાવના છે.

