New Delhi, તા. 16
ડિજિટલ પેમેન્ટ કરતાં ગ્રાહકોને ઓનલાઇન છેતરપિંડીથી બચાવવા માટે આરબીઆઈએ નિયમો વધુ કડક કરી દીધાં છે. આ અંતર્ગત હવે જો કોઈ પેમેન્ટ એપ કે ડિજિટલ વોલેટ સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર કે ઇમેઇલ આઈડીમાં કોઈ ફેરફાર કરવામાં આવે, તો તેના પછી ઓનલાઇન પેમેન્ટ શરૂ થતાં પહેલાં ઓછામાં ઓછા 12 કલાકની અનિવાર્ય પ્રતીક્ષા અવધિ એટલે કે વેટિંગ પિરીયડ લાગું થશે.
આરબીઆઈએ આ સંબંધમાં હાલમાં જ દિશા-નિર્દેશો જારી કર્યા છે, જે તમામ બિન-બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ (PSOs) પર લાગું થશે. આમાં મોટા પીએસઓમાં એનપીસીઆઈ, ભારત બિલપે, કાર્ડ પેમેન્ટ નેટવર્ક, બિન-બેંક એટીએમ નેટવર્ક, એટીએમ ઓપરેટર્સ અને પેમેન્ટ કંપનીઓ સામેલ છે.
આરબીઆઈનાં જણાવ્યાં અનુસાર, સાઇબર અપરાધીઓ બનાવટી દસ્તાવેજો કે ટેકનીકલ ઘૂસણખોરી દ્વારા પીડિતનો મોબાઇલ નંબર અને ઇમેઇલ બદલી નાખે છે. આનાથી તેઓ ઓટીપી મેળવવામાં સફળ થઈ જાય છે, જ્યારે અસલી ગ્રાહકને તેની ખબર પણ પડતી નથી.
નવા નિયમો આવ્યાં પછી, જેવો મોબાઇલ નંબર કે ઇમેઇલ બદલવામાં આવશે, આગામી 12 કલાક સુધી તે ખાતામાંથી કોઈ મોટું ઓનલાઇન પેમેન્ટ નહીં થઈ શકે. આ દરમિયાન અસલી ગ્રાહકને નંબર બદલ્યાનો મેસેજ મળી જશે અને તેને પોતાનું ખાતું બ્લોક કરાવવા માટે પૂરતો સમય મળી શકશે.
છેતરપિંડીની તુરંત જાણ કરી શકાશે
આરબીઆઈએ છેતરપિંડી થાય તેવી સ્થિતિમાં તુરંત કાર્યવાહી કરવા પર પણ ભાર મૂક્યો છે. આ અંતર્ગત હવે પેમેન્ટ કંપનીઓએ પોતાની મોબાઇલ એપ કે વેબસાઇટ પર એવો સરળ વિકલ્પ આપવો પડશે, જેથી ગ્રાહક કોઈપણ શંકાસ્પદ કે અનધિકૃત લેણદેણ જોતાની સાથે જ તેને ફ્રોડ તરીકે ચિહ્નિત કરી શકે.
આનાથી ફરિયાદ નોંધાવવા માટે હેલ્પલાઇન નંબર શોધવામાં વેડફાતો કિંમતી સમય બચશે. પેમેન્ટ સિસ્ટમમાં સામેલ અન્ય સહભાગીઓએ પણ આવી વ્યવસ્થામાં સહયોગ કરવો પડશે.
એસએમએસમાં પૂરી વિગત નહીં દેખાય
આ ઉપરાંત, લેણદેણ પછી આવતાં એસએમએસ અને ઇમેઇલ અલર્ટને પણ વધુ સુરક્ષિત બનાવવામાં આવ્યાં છે. હવે અલર્ટ મેસેજમાં ગ્રાહકના બેંક ખાતા કે કાર્ડના પૂરા નંબરો છુપાયેલા રહેશે, જેથી કોઈ બીજું તેને વાંચીને દુરુપયોગ ન કરી શકે. સાથે જ, અલર્ટ મેસેજમાં પેમેન્ટ મેળવનાર વેપારી કે વ્યક્તિનું સ્પષ્ટ નામ લખવું અનિવાર્ય રહેશે, જેથી ગ્રાહક તુરંત સમજી શકે કે પૈસા કોના ખાતામાં ગયા છે.

