ભારતમાં લોકોમાં પરંપરાગત રાત્રિભોજનના સમય પછી, ખાસ કરીને મોડી રાત્રે જમવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ખોરાક પહોંચાડતી (ફૂડ ડિલિવરી) એપ ’સ્વિગી’ અને ક્ધસલ્ટિંગ ફર્મ ’કાર્ની’ના ’હાઉ ઈન્ડિયા ઈટ્સ’ રિપોર્ટ અનુસાર, મોડી રાત્રે અપાતાં ઓર્ડર સામાન્ય ડિનર ઓર્ડર કરતાં ત્રણ ગણી ઝડપે વધી રહ્યાં છે. રાત્રે 11 વાગ્યા પછી લોકો ખાસ કરીને પિઝા, કેક અને સોફ્ટ ડ્રિંક્સ જેવી વધુ ચરબી અને સુગર ધરાવતી ભારે વાનગીઓ વધુ પસંદ કરી રહ્યાં છે.
આ બદલાતી ટેવને કારણે હેલ્થ એક્સપર્ટ્સ અને તબીબોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મોડી રાત્રે ચરબીયુક્ત અને ગળ્યો ખોરાક ખાવાથી શરીરની ચયાપચય (મેટાબોલિઝમ) પ્રક્રિયા પર નકારાત્મક અસર પડે છે. તબીબોના જણાવ્યા મુજબ, મોડી રાત્રે જમવાથી સૌથી પહેલા અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે, જે બાદમાં ઊંઘ ન આવવાની ગંભીર બીમારીઓ તરફ દોરી જાય છે.
આ અંગે નોઈડાના જાણીતાં પલ્મોનોલોજિસ્ટ ડો. સુદીપ ભાટિયા જણાવે છે કે, “મારી પાસે એવા અનેક દર્દીઓ આવે છે જેમને રાત્રે મોડેથી અને ભારે ખોરાક ખાવાની ટેવને કારણે ઊંઘ ન આવવાની સમસ્યા થઈ રહી છે. મોડી રાત્રે ખાવાથી પહેલાં પાચનની તકલીફો થાય છે અને તેના લીધે પછી ગાઢ ઊંઘ આવતી નથી.”
તબીબી સંશોધનો અનુસાર, જમ્યા પછી તરત જ સૂઈ જવાથી એસિડિટી અને ઊંઘ સંબંધિત વિકૃતિઓ વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે. મોડી રાત્રે ભારે ખોરાક લેવાથી રાત્રિ દરમિયાન શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઊંચું રહે છે અને ફેટ બર્ન થવાની ક્ષમતા ઘટી જાય છે. લાંબા ગાળે આ ટેવ શરીર માટે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.
જે લોકો માટે નાઇટ શિફ્ટ કે મોડે સુધી કામ કરવાને કારણે મોડી રાત્રે જમવું મજબૂરી હોય, તેમને તબીબોએ ડિનર સ્કીપ કરવાનાં બદલે હળવો ખોરાક લેવાની સલાહ આપી છે. રાત્રે પિઝા કે ફાસ્ટ ફૂડ ખાવાનાં બદલે સૂપ કે સહેલાઈથી પચી જાય તેવો સાદો અને હળવો ખોરાક લેવો સ્વાસ્થ્ય માટે વધુ હિતાવહ છે.
નોંધનીય છે કે, નાઈટ શિફ્ટમાં કામ કરતાં કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જુલાઈ 2026માં સ્વિગી દ્વારા ’લેટ નાઈટ ઈટ્સ’ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. આ સેવા દેશનાં 30 શહેરોમાં 4,000 થી વધુ ઓફિસ લોકેશન્સ પર રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી સક્રિય રહે છે. પરંતુ સુવિધાની સાથે લોકોની ખાનપાનની ખોટી પસંદગી સ્વાસ્થ્ય પર ભારે પડી રહી છે.

