શર્માએ તાજેતરમાં સમાપ્ત થયેલા મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫માં ટીમ ઇન્ડિયાને જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી
New Delhi, તા.૬
મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ દીપ્તિ શર્માને ઓક્શન પહેલા મોટો ઝટકો લાગ્યો છે. તેણે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું, બેટ અને બોલ બંનેથી ધમાલ મચાવી. મહિલા પ્રીમિયર લીગ મેગા ઓક્શન થોડા દિવસોમાં થવાનું છે. દીપ્તિ યુપી વોરિયર્સ ટીમનો ભાગ હતી પરંતુ હવે તેને બહાર કરવામાં આવી છે.
તેઓએ ફક્ત એક જ ખેલાડી, શ્વેતા સેહરાવતને રિટેન કરી છે. મેગા ઓક્શન પહેલા મેચ વિજેતા ખેલાડીને રિલીઝ કરવી ખરેખર આશ્ચર્યજનક છે.
દીપ્તિ શર્મા એક તેજસ્વી ઓલરાઉન્ડર છે અને ત્રણ વર્ષ સુધી યુપી વોરિયર્સ ટીમનો ભાગ રહી છે. તેણીએ મહિલા પ્રીમિયર લીગમાં પણ ટીમ માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. ઉલ્લેખનીય છે કે દીપ્તિને પહેલા ૨.૬ કરોડમાં રિટેન કરવામાં આવી હતી, જેના કારણે તે ઇતિહાસમાં બીજી સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે. બે ખરાબ સીઝન પછી વોરિયર્સે સંભવતઃ બધાને રિલીઝ કરવાનો અને ટીમનું પુનર્નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. દીપ્તિ શર્મા ઉપરાંત ઓસ્ટ્રેલિયન સ્ટાર એલિસા હીલીને પણ બહાર કરવામાં આવી છે. યુપીએ જ્યોર્જિયા વોલ, ગ્રેસ હેરિસ, તાહલિયા મેકગ્રા, અલાના કિંગ, ઉમા છેત્રી, ક્રાંતિ ગૌડ અને સોફી એક્લેસ્ટોનને પણ રિલીઝ કર્યા છે.
યુપી વોરિયર્સ પાસે મેગા ઓક્શનમાં ૧૪.૫ કરોડ હશે. વધુમાં તેમની પાસે કુલ ચાર રાઈટ ટુ મેચ કાર્ડ હશે. જે દીપ્તિને રિટેન કરવાની સુવર્ણ તક છે. તેઓએ તેને ઓછી કિંમતે રિટેન કરવા માટે રિલીઝ કરી હશે.
કઈ ટીમે કયા ખેલાડીઓને રિટેન કર્યા ?
દિલ્હી કેપિટલ્સ : એનાબેલ સધરલેન્ડ, મેરિઝાન કપ, જેમીમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, નિકી પ્રસાદ
મુંબઈ ઈન્ડિયન્સઃ હરમનપ્રીત કૌર, નેટ સાયવર-બ્રન્ટ, અમનજોત કૌર, જી. કમલિની, હેલી મેથ્યુઝ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ સ્મૃતિ મંધાના, એલિસ પેરી, રિચા ઘોષ, શ્રેયંકા પાટિલ
ગુજરાત જાયન્ટ્સઃ એશ્લે ગાર્ડનર, બેથ મૂની
યુપી વોરિયર્સઃ શ્વેતા સેહરાવત

