Mumbai,તા.07
એક્ટર હર્ષવર્ધન રાણે હાલમાં પોતાની ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’ના કારણે ચર્ચામાં છે. તેની ફિલ્મે વર્લ્ડ વાઈડ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મની સક્સેસથી એક્ટર ખૂબ જ ખુશ છે. હવે તે પોતાની સફળતાને એક ડગલું આગળ લઈ જશે. તે ટૂંક સમયમાં જ જોન અબ્રાહમની ફિલ્મમાં દેખાશે.
હર્ષવર્ધન રાણે છેલ્લા 15 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. સાઉથમાં તેણે ઘણી ફિલ્મો કરી છે. ત્યારબાદ તે બોલિવૂડમાં ‘સનમ તેરી કસમ’ લઈને આવ્યો, જેને રિલીઝ વખતે દર્શકોનો પ્રેમ નહોતો મળ્યો. પરંતુ રી-રિલીઝ વખતે આ ફિલ્મે ધૂમ મચાવી દીધી હતી. હવે હાલમાં જ તેની ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’ આવી જેણે ચાહકોને પોતાના દિવાના બનાવી દીધા.
જોન અબ્રાહમની ફિલ્મ ‘ફોર્સ’ના આ પહેલા બે પાર્ટ્સ વર્ષ 2011 અને 2016માં રિલીઝ થયા હતા. તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી, જેમાં જોન લીડ રોલમાં નજર આવ્યો હતો. પરંતુ હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, તેના ત્રીજા પાર્ટને હર્ષવર્ધન સંભાળશે, બીજી તરફ જોન એક મેન્ટોરની ભૂમિકા ભજવશે.
હર્ષવર્ધનના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો ‘એક દીવાને કી દીવાનિયત’ બાદ તે એક્ટ્રેસ સાદિયા ખાતીબ સાથે ‘સિલા’માં આવશે, જે વધુ એક હાર્ટબ્રેકિંગ લવ-સ્ટોરી હશે. તેને સરબજીત, મેરી કોમ જેવી ફિલ્મો બનાવનાર ઓમંગ કુમાર ડાયરેક્ટ કરશે. આ ફિલ્મ પણ આવતા વર્ષે રિલીઝ થશે.

