૭૮મા નિરંકારી સંત સમાગમના સમાપન પછી સમાલખા(હરીયાણા) ખાતે આવેલ સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ ઉપર જ સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીની હાજરીમાં સાદગીપૂર્ણ નિરંકારી સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નવદંપતીઓએ પરિણય સૂત્રમાં બંધાઇને પોતાના મંગલમય નવજીવન માટે સતગુરૂના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આ સમારોહ અત્યંત અનુપમ અને પ્રેરણાદાયક રહ્યો હતો,જેમાં બિહાર,ચંદીગઢ,દિલ્હી,ગુજરાત,હિમાચલ પ્રદેશ, હરિયાણા,જમ્મુ-કાશ્મીર,ઝારખંડ,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,પંજાબ,રાજસ્થાન,ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ભારતના વિવિધ રાજ્યો તેમજ ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિત વિદેશમાંથી કુલ ૧૨૬ નવદંપતીઓ જોડાયા હતા.
આ શુભ અવસરે ૧૨૬ વર-વધૂઓએ એક જ સ્થળે લગ્ન કરીને એકત્વ અને સરળતાનો સુંદર સંદેશ આપ્યો હતો.સંત નિરંકારી મિશનના વરિષ્ઠ અધિકારીઓ,વર-વધૂના પરિવારના સભ્યો અને શ્રદ્ધાળુ ભક્તોએ આ દિવ્ય અને ભાવનાત્મક દ્રશ્યનો ભરપૂર આનંદ માણ્યો હતો.કાર્યક્રમનો શુભારંભ પરંપરાગત જયમાલા(ફૂલોની માળા) અને સંત નિરંકારી મિશનની પરંપરા વિશેષ “સાંઝા-હાર” થી થઇ હતી,ત્યારબાદ ભક્તિમય વાતાવરણમાં હિન્દીમાં નિરંકારી લાવ(સપ્તપદી) ગાવામાં આવી હતી.જેની દરેક પંક્તિ નવવિવાહિત યુગલોના માટે આધ્યાત્મિક સંદેશાઓ તથા ગૃહસ્થજીવનની કલ્યાણકારી શિક્ષાઓથી પરીપૂર્ણ હતી.આ સમુહલગ્નના કાર્યક્રમ દરમિયાન સતગુરૂ માતાજી તથા નિરંકારી રાજપિતાજીએ નવવિવાહિત દંપતીઓ ઉપર ફૂલો વરસાવી તેમને સુખમય,આનંદમય અને સમર્પણમય જીવનનો આશિર્વાદ આપ્યો હતો.
આ સમુહલગ્નના આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાદગી-સમરસતા અને એકત્વનો દિવ્ય સંદેશ જોવા મળ્યો હતો,જે જાતિ,ધર્મ,ભાષા અને પ્રાદેશિક ભેદભાવોથી ઉપર રહીને માનવતાના સુંદર, સર્વાંગી અને પ્રેરણાદાયક સ્વરૂપને અભિવ્યક્ત કરતો હતો.
નવદંપતીઓને આશિર્વાદ આપતા સતગુરૂ માતાજીએ કહ્યું હતું કે આજે આ શુભપ્રસંગે તમામ યુગલો સુંદર રૂપથી સજેલા છે.લગ્નજીવનની સાર્થકતા અને મહત્વ ઉપર પ્રકાશ પાડતાં સતગુરૂ માતાજીએ કહ્યું હતું કે આ સમુહલગ્નનો સમારોહ ફક્ત એક દિવસનો ઉત્સવ નથી પરંતુ પ્રેમ-સન્માન અને સહયોગથી ભરેલા પવિત્ર મિલનનું પ્રતિક છે અને વિવાહિત જીવનમાં સમાનતા અને ભાગીદારીનો સંદેશ આપે છે,જેવી રીતે લાવા(સપ્તપદી)માં ઉલ્લેખ કરેલ છે તેમ જો કોઈ એકના આધ્યાત્મિક પ્રયાસોમાં યોગદાન ઓછું પડતું હોય તો બીજાએ તેમને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી જીવનની યાત્રા સંતુલન અને સુમેળસાથે આગળ વધી શકે.
સતગુરૂ માતાજીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે લગ્ન એ ફક્ત બે વ્યક્તિઓનું મિલન નથી પરંતુ બે પરિવારોનું પવિત્ર મિલન છે.આ મિલનમાં બંને પક્ષો તેમની સામાજિક અને પારિવારિક જવાબદારીઓની સાથે સાથે સેવા,સુમિરણ,સત્સંગ અને ભક્તિને જીવનનું અંગ બનાવવાનું છે.છેલ્લે સતગુરૂ માતાજીએ નવદંપતીઓને તેમના વૈવાહિક જીવન માટે મંગલકામના પાઠવી પ્રાર્થના કરી હતી કે પ્રભુ-પરમાત્માની અનંતકૃપા તમારા તમામ ઉપર બનેલી રહે અને આ પવિત્ર મિલન ખુશી-પ્રેમ અને સંવાદિતાનું પ્રતિક બની ઉમ્રભર સ્થાયી રહે. સંત નિરંકારી મંડળના સચિવ આદરણીય શ્રી જોગીન્દર સુખીજાજીએ જાણકારી આપતાં જણાવ્યું કે આ વર્ષે ભારતના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાંથી લગભગ ૧૨૬ યુગલોએ સમાજ કલ્યાણ વિભાગના સહયોગથી આજે સદગુરૂ માતાજીના સાનિધ્યમાં આ સમુહલગ્નમાં ભાગ લઇ પ્રભુતામાં પગલાં પાડ્યાં છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

