Kolkata,તા.17
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ભારતે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી. આ મુકાબલામાં સાઉથ આફ્રિકાનો 30 રનથી વિજય થયો. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 93 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ત્યારે હવે પોતાના જમાનાના દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલેએ રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની ૩૦ રનની હાર બાદ કહ્યું કે, ‘ઈડન ગાર્ડન્સની પડકારજનક પીચ પર ત્રીજા દિવસની રમતની શરૂઆતમાં મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બોલિંગ ન આપવી એ સવાલ ઊભો કરે છે.’ ભારતીય ટીમ 124 રનના ટારગેટનો પીછો કરતા માત્ર 93 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને આવી રીતે પ્રથમ ટેસ્ટ મેચ ત્રીજા દિવસના બીજા સત્રમાં જ સમાપ્ત થઈ ગઈ.
અનિલ કુંબલેએ ભારતને મળેલી કારમી હાર બાદ સમીક્ષા કરતા કહ્યું કે, ભારતની સૌથી મોટી ભૂલોમાંની એક એ હતી કે ત્રીજી સવારે જસપ્રીત બુમરાહને પહેલી ઓવર ન આપવી, ખાસ કરીને એવી પીચ પર જે ફાસ્ટ બોલરોને અનુકૂળ હતી. રિષભ પંતે પહેલી ઓવર અક્ષર પટેલને આપી અને પછી એક છેડે બુમરાહને લાવવાના બદલે થોડા સમય સુધી સ્પિન ચાલુ રાખી.
ભારતની હાર બાદ કુંબલે કહ્યું કે, ‘124 રનનો ટારગેટ થોડો વધુ હતો. દિવસની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા પાસે માત્ર 63 રનની લીડ હતી અને ત્રણ વિકેટ બચી હતી. તેમ્બા બાવુમા હજુ પણ રમી રહ્યો હતો. આવી સ્થિતિમાં સ્પ્રેડ ફિલ્ડિંગ અને પોતાના શ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહને પહેલી ઓવર ન આપવી એ સવાલ ઊભા કરે છે. આજે દક્ષિણ આફ્રિકાએ ગુમાવેલી ત્રણેય વિકેટ ફાસ્ટ બોલરોએ લીધી હતી.’કુંબલેએ આગળ કહ્યું કે, ‘આવી પડકારજનક સપાટી પર બુમરાહ કરતા પહેલા કોઈ અન્ય બોલર પાસે બોલિંગ કરવાનો કોઈ અર્થ નથી. બુમરાહ ઉપરાંત મોહમ્મદ સિરાજે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. કારણ કે, તેણે બેક-ટૂ-બેક વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાને 153 રન પર રોકી દીધું.’
જોકે, દક્ષિણ આફ્રિકાના સ્પિનરોએ લંચ પછી ભારતીય બેટિંગ લાઇઈનઅપને ધ્વસ્ત કરીને મેચનું પાસું પલટી નાખ્યું. સાઈમન હાર્મરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. ત્રીજા દિવસની સવારે કોર્બિન બોશ સાથે તેમ્બા બાવુમાએ પણ મહત્વપૂર્ણ રન ઉમેર્યા, જે અંતે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.કુંબલેએ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન બાવુમાની પ્રશંસા કરતા કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમને વિજય અપાવવા છતાં તેમને હંમેશા તે શ્રેય નથી મળતો જેનો તે હકદાર છે.
તેમણે આગળ કહ્યું કે, ‘એકંદરે, ભારત દક્ષિણ આફ્રિકાથી પાછળ રહી ગયું. તેનો શ્રેય બાવુમાને જાય છે. તેને કેપ્ટન તરીકે એ ઓળખ ન મળી જેનો તે હકદાર છે. તેણે દક્ષિણ આફ્રિકા માટે કેપ્ટન તરીકે 11 માંથી 10 ટેસ્ટ મેચ જીતી છે અને તેમના માટે ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી છે. તેને એ પ્રકારનો શ્રેય નથી મળતો જે અન્ય આંતરરાષ્ટ્રીય કેપ્ટનોને મળે છે.’

