Washington તા.17
અમેરિકન સેનાએ પૂર્વ પેસિફિક મહાસાગરમાં શંકાસ્પદ માદક પદાર્થોની તસ્કરી રહેલી વધુ એક બોટ પર ઘાતક હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. અમેરિકાએ પોતાના સૌથી વધુ શકિતશાળી યુધ્ધ જહાજને કેરેબિયન જલ ક્ષેત્રમાં તૈનાત કર્યા છે.
અમેરિકા જે રીતે વેનેઝુએલાની નૌકાઓને નિશાન બનાવી રહ્યું છે. હવે તેણે પોતાના યુધ્ધ જહાજ તૈનાત કર્યા છે. જોકે ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સાથે વાતચીતનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.
ટ્રમ્પે કહ્યું હતું કે, વેનેઝુએલા વાતચીત કરવા ઈચ્છશે. જોકે તેમણે વાતચીતના મુદ્દામાં વિસ્તૃત જાણકારી નથી આવી. ઉલ્લેખનીય છે કે અમેરિકી સરકાર માદુરોની સરકારને માન્યતા નથી આપતી અને અમેરિકાએ એ પણ આરોપ લગાવ્યો છે કે વેનેઝુએલાની સરકાર અમેરિકામાં ડ્રગ્સ તસ્કરીમાં સામેલ છે.
અમેરિકન સધર્ન કમાન્ડના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનને શનિવારે જોઈન્ટ ટાસ્ક ફોર્સ સધર્ન સ્પીયર દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. એક નાની બોટ ડ્રગ-ટ્રાફિકિંગના કથિત રૂટ પર જઈ રહી હતી.
ત્યારે તેને નિશાન બનાવવામાં આવી. કમાન્ડે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ગુપ્તચર માહિતીથી પુષ્ટિ થઈ હતી કે આ બોટ નશીલા પદાર્થોની ગેરકાયદેસર તસ્કરીમાં સામેલ હતી.
આ હુમલો સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં શંકાસ્પદ ડ્રગ્સ બોટ પર કરવામાં આવેલો 21મો કથિત અમેરિકન હુમલો છે. પેન્ટાગોનના આંકડા મુજબ આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 83 લોકો માર્યા ગયા છે. ટ્રમ્પ વહીવટી તંત્રે આ અભિયાનોનો બચાવ કરતા કહ્યું છે કે અમેરિકા તરફ જઈ રહેલા ડ્રગ્સના શિપમેન્ટને રોકવા માટે આવી કાર્યવાહી જરૂરી છે.
જોકે માનવાધિકાર સંગઠનો અને વિદેશી સહયોગી દેશોએ આ હુમલાઓની કાયદેસરતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે તેમ છતાં અમેરિકાએ પોતાના હુમલાઓને વધુ તીવ્ર બનાવી દીધા છે.

