New Delhi,તા.17
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપાર મુદે હજુ કોઈ સમજુતી થઈ નથી ત્યાં જ ભારતે એક મહત્વના નિર્ણયમાં અમેરિકા પાસેથી આગામી વર્ષે દેશની જરૂરિયાતને 10% એલપીજી ખરીદવા નિર્ણય લીધો છે જે અત્યાર સુધી સૌથી મોટી ખરીદી હતી.
આ અંગે અમેરિકા અને ભારત વચ્ચે સમજુતી થઈ છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી શ્રી હરદીપસિંઘ પુરીએ એક સોશ્યલ મીડીયા પોસ્ટમાં જણાવ્યું કે દુનિયાના સૌથી મોટા એલપીજી માર્કેટને અમેરિકા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
ભારતને સલામત અને પોસાય શકે તેવા ભાગે એલપીજી પુરુ પાડવાની તૈયારી સાથે અમેરિકા સાથે આ કોન્ટ્રાકટ કરાયો છે જેમાં ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ એ અમેરિકાની કંપનીઓ પાસેથી વર્ષે 2.2 મીલીયન ટન એલપીજી ખરીદવા કોન્ટ્રાકટ કર્યો છે જે દેશની જરૂરિયાતના 10 ટકા હશે. આમ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર મુદે જે વિવાદ છે તેમાં આ નિર્ણય મહત્વનો ગણવામાં આવે છે.

