Washington, તા.17
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને રોકવામાં નિષ્ફળ ગયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે રશિયા સાથે ક્રુડતેલ સહિતના વ્યાપાર કરનાર દેશો પર આકરા પ્રતિબંધ લાદવાની અને 500 ટકા સુધી ટેરિફ પણ લાદી શકાય તેવા એક ખરડાને ટેકો આપ્યો છે.
આગામી દિવસોમાં તે અમેરિકી સંસદમાં રજુ થશે જેને કારણે ભારત સહિતના દેશોની મુશ્કેલીઓ વધી શકે છે. એક તરફ ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપાર ડીલ વિવાદમાં પડી છે અને ભારત પર 50 ટકા અમેરિકી ટેરિફ લાદવામાં આવ્યા છે.
તે વચ્ચે જ ગઈકાલે ટ્રમ્પે જાહેર કર્યુ કે રશિયા સાથે વ્યાપાર કરનાર દેશો વાસ્તવમાં આ યુદ્ધને વધુને વધુ ભડકાવવા માટે નાણાકીય મદદ કરતા હોય તેમ બની રહ્યું છે. ખાસ કરીને રશિયા સાથે ક્રુડતેલ અને ગેસની ખરીદી કરતા દેશોને ટ્રમ્પ શાસન નિશાન બનાવી રહ્યા છે.
પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, મારા પક્ષ રિપબ્લીકન પાર્ટી દ્વારા સંસદમાં આ અંગે એક ખરડો રજુ કરાશે જેમાં રશિયા સાથે વ્યાપાર કરનાર દેશો પર પ્રતિબંધ લાદવાની તૈયારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ખરડામાં રશિયા સાથે વ્યાપાર કરનાર દેશો પર 500 ટકા સુધીનો ટેરિફ લાદી શકાશે.

