Riyadh તા.17
સાઉદી અરેબિયામાં મુસ્લીમ સમુદાય માટેના પવિત્ર ઉમરાહ યાત્રા દરમ્યાન તેલંગાણાથી ગયેલા યાત્રાળુઓની એક બસ તથા ઓઈલ ટેન્કર વચ્ચે દુર્ઘટના સર્જાતા 20 મહિલાઓ અને 11 બાળકો સહિત 42 ભારતીયના મૃત્યુ થયા છે. રાત્રે 1.30 કલાકે મકકા-મદીના માર્ગ પર આ દુર્ઘટના બની હતી અને તેમાં એકમાત્ર ડ્રાઈવરનો બચાવ થયો હતો.
મૃતકોમાં મોટાભાગના હૈદરાબાદના છે. મદીનાથી 160 કી.મી. દુર મુહરાસ પાસે યાત્રાળુઓની બસ ઉમરાહના સ્થળે લઈ જતી હતી. તે સમયે અચાનક જ સામેથી આવેલા એક ઓઈલ ટેન્કર સાથે બસ ધડાકાભેર અથડાતા અગનગોળો બની ગઈ હતી અને તેમાં પ્રવાસ કરતા એક પણ મુસાફરને બચાવની તક રહી ન હતી અને તમામ ભડથુ બની ગયા હતા.
આ દુર્ઘટનામાં એક જ પરિવારના અનેક લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. ભારત સરકારે આ અંગે દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મીશન અબુ મૈથનને સ્થળ પર પહોંચવા આદેશ આપ્યો છે.
આ ઉપરાંત ખાસ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને સરકારે બાદમાં હૈદરાબાદ સ્થિત પરિવારોનો પણ સંપર્ક શરુ કર્યો છે. સાઉદી સરકારે પણ આ દુર્ઘટનામાં તાત્કાલીક મૃતકોના પાર્થિવદેહની ઓળખ માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
ચારથી સાત દિવસના આ ઉમરાહ માટે ભારતમાંથી દર વર્ષે તેમના કોટા મુજબ યાત્રાળુઓ પહોંચ છે અને સાઉદી સરકારે તે માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે. એઆઈએ મઆઈએમના સાંસદ અસદુદીન ઔવેસીના જણાવ્યા મુજબ હૈદરાબાદમાંથી બે ટ્રાવેલ એજન્સીઓ મારફત આ યાત્રાળુઓ સાઉદી અરેબીયા ગયા હતા.

