Rajkot,તા.17
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા ખોડલઘામ, કાગવડ ખાતે મા ખોડલના દર્શન કર્યા હતા. મા ખોડલનાં ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના પ્રજાજનોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા તેમણે ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મા ખોડલના દર્શન કરીને રાજ્યના પ્રજાજનો અને ખાસ તો કમોસમી વરસાદના કારણે હેરાન થયેલા ખેડૂતોના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. આ ખેડૂતો માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે.
મા ખોડલ સૌ ખેડૂતોને ફરી બેઠા થવાની હિંમત અને શક્તિ આપે, સૌનું કલ્યાણ થાય, સૌ નાગરિકોની મનોકામના અને સૌ યુવાનોના સપના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરું છું.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે મા ખોડલના આ ઘામ ખાતે રાષ્ટ્ર શક્તિ અને ધર્મ શક્તિ બેઉ એકસાથે અનુભવી શકાય છે. ધર્મશક્તિના ધામમાં રાષ્ટ્ર શક્તિને એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગ માટે વૈદિક લગ્ન શરૂ કરવામાં આવ્યા છે તે માટે નરેશભાઈ પટેલ અને તેમની ટીમે કરેલા પ્રયાસો સરાહનીય છે. વૈદિક પદ્ધતિ ખોટા ખર્ચ અને દેખાડા વગરની હોવાથી અને આર્થિક રીતે પરવડે તેવી હોવાથી દરેક સમાજે અપનાવવી જોઈએ.
મુલાકાતના આરંભે નાયબ મુખ્યમંત્રી ખોડલધામ ખાતે પહોંચ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પોતાના સરળ અને મિલનસાર સ્વભાવનો અનુભવ કરાવતા શ્રી સંઘવીએ મંદિર પરિસરની મુલાકાત લેતા દર્શનાર્થીઓને મળી તેમના ખબર અંતર પૂછ્યા હતા.
આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, દિનેશભાઈ બાંભરોલીયા, ભરતભાઈ બોધરા, વી.પી.વૈષ્ણવ સહિતના અગ્રણીઓ તેમજ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

