New Delhi,તા.17
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આત્મઘાતી વિસ્ફોટની તપાસમાં નવા ખુલાસા થયા છે. એનઆઇએએ એ શખ્સની ધરપકડ કરી છે કે જેણે આત્મઘાતી હુમલાખોર સાથે મળીને આ આતંકી ઘટનાને અંજામ આપ્યો હતો. ધરપકડ કરાયેલ આરોપીનું નામ આમિર રાશિદ અલી છે, વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલી કાર તેના જ નામે નોંધાયેલી છે. જ્યારે બીજી તરફ ૧૪ વર્ષ બાદ દિલ્હીમાં થયેલા આ ભયાનક વિસ્ફોટ પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનો દાવો થઇ રહ્યો છે. આ ઉપરાંત ૧૫ જેટલા ડોક્ટરોની ધરપકડ કરાઇ છે.
ગુપ્ત એજન્સીઓને મળેલી જાણકારી મુજબ જૈશ-એ-મોહમ્મદે ભારતમાં આતંકવાદની જાળ ફેલાવવા માટે ૨૦ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ રૂપિયા ત્રણ ડોક્ટરોને મોકલવામાં આવ્યા હતા. જેમના નામ ઉમર, મુઝમ્મિલ અને શાહીન છે. ઉમરે દિલ્હીના લાલ કિલ્લા પાસે આ વિસ્ફોટને અંજામ આપ્યો હતો. એનઆઇએની તપાસમાં સામે આવ્યું છે કે લાલ કિલ્લા પાસે થયેલો આ હુમલો આઇઇડી બ્લાસ્ટ છે અને તેને સુસાઇડ બોમ્બર ઉમર ઉન નાબી દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.
બીજી તરફ એનઆઇએ દ્વારા જમ્મુ કાશ્મીરના સંબૂરાના રહેવાસી આમિર રાશીદ અલીની ધરપકડ કરી છે. દિલ્હીના વિસ્ફોટને અંજામ આપવા માટે જે કારનો ઉપયોગ કરાયો હતો તે આ આમિર રાશીદના નામે જ રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે. આમિર દિલ્હી આ કારની ખરીદીમાં મદદ કરવા માટે આવ્યો હતો. આમિર રાશીદ અને આત્મઘાતી વિસ્ફોટ કરનારા ઉમર ઉન નબી બન્ને એકબીજાના સહાયક હોવાનું સામે આવ્યું છે. દિલ્હી વિસ્ફોટની તપાસ કરી રહેલી એનઆઇએની તપાસ જમ્મુ કાશ્મીર સહિત છ રાજ્યો સુધી પહોંચી ગઇ છે. જેમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ, દિલ્હી અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે.
શ્રીનગરમાં હાલ એનઆઇએના અધિકારીઓ ડોક્ટર આદિલ, ડોક્ટર મુઝમ્મિલ, ડોક્ટર શાહીન અને અન્ય આરોપીઓની પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધીમાં આતંકી નેટવર્કમાં સામેલ ૧૫થી વધુ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી ચુકી છે જ્યારે આ નેટવર્કમાં સામેલ અન્ય ડોક્ટરો એજન્સીના રડારમાં છે. બહુ જ મોટી સંખ્યામાં ડોક્ટરોને સોશિયલ મીડિયા દ્વારા જોડીને કટ્ટરવાદી બનાવવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલી મહિલા ડોક્ટર શાહીન વિદેશ ભાગવાની તૈયારીમાં હતી, પોલીસે તેના પાસપોર્ટ માટે વેરિફિકેશન પણ કર્યું હતું. આ દરમિયાન લેવાયેલી તેની તસવીર પણ સામે આવી છે.
પાસપોર્ટ બનાવવા પાછળનો હેતુ શું હતો તેની પોલીસ તપાસ કરી રહી છે. દિલ્હીમાં જે આત્મઘાતી હુમલો કરાયો તેની તૈયારી ગયા વર્ષથી શરૂ કરી દેવાઇ હતી. આત્મઘાતી હુમલો કરનારો ઉમર હાર્ડકોર રેડિકલ એટલે કે અત્યંત કટ્ટરવાદી હતો. ડોક્ટરોનું એક જુથ ઉમર જેવા જ હાર્ડકોર રેડિકલ ડોક્ટરની છેલ્લા એક વર્ષથી તપાસ કરી રહ્યું હતું. આ સમગ્ર વ્હાઇટ કોલર ટેરર મોડયુલને શ્રીનગર પોલીસ દ્વારા ખુલ્લુ પાડવામાં આવ્યું છે. બીજી તરફ એવા અહેવાલો સામે આવ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં હવે આતંકીઓ એવા લોકોની ભરતી કરી રહ્યા છે કે જેનો કોઇ જ ક્રિમિનલ રેકોર્ડ ના હોય કે આતંકી લિંક ના હોય. એટલે કે એકદમ વ્હાઇટ કોલર અને સ્વચ્છ છાપ ધરાવતા કટ્ટરવાદીઓની ભરતી કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.

