New Delhi,તા.18
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બિહાર ચૂંટણીના પરિણામોને લઈને કહ્યું કે, ‘આ ચૂંટણી પરિણામ પચાવી શકાતા નથી.’ આ સાથે જ તેમણે સ્વીકાર્યું કે, ‘ચૂંટણી જીત કે હારનો ભાગ છે અને અમે ભાજપ પાસેથી શીખતા રહીએ છીએ.’
બિહાર ચૂંટણી પરિણામો વિશે વાત કરતાં અખિલેશ યાદવે કહ્યું કે, ‘બિહારમાં વોટની ચોરી નહીં, પણ લૂંટ થઈ છે. અમે બિહાર ચૂંટણીના પરિણામો સ્વીકારી શકતા નથી.’ NDA ગઠબંધનની જીત પર પણ સવાલ ઉઠાવ્યા હતા.’મતદાર પુનઃનિરીક્ષણ(SIR)ના નામે એવા બૂથોનું રિવિઝન વધુ થઈ રહ્યું છે, જ્યાં ભાજપ ચૂંટણી હારતી રહી છે.’
અખિલેશ યાદવે કહ્યું કે, ‘આ બેવડી સદીનું પરિણામ અમને સ્વીકાર્ય નથી. અમે આ સ્વીકારી જ શકતા નથી. આટલી મોટી સંખ્યામાં બેઠકો કેવી રીતે જીતી શકાય? સ્ટ્રાઇક રેટ આટલો વધારે કેવી રીતે હોઈ શકે? અન્ય પક્ષોએ અમુક નિશ્ચિત સંખ્યામાં બેઠકો પર ચૂંટણી લડવા વિશે ભાજપ પાસેથી શીખવું જોઈએ. તેમજ અમે પણ ભાજપ પાસેથી જે શીખીશું, તેને લાગુ કરીશું.’
અખિલેશ યાદવે એવો પણ આરોપ લગાવ્યો કે, ‘ભાજપ અડધા કલાકમાં આધાર કાર્ડ અને વોટર આઇડી કાર્ડ બનાવવામાં સક્ષમ છે. વોટ ચોરીનો આ મુદ્દો ચોરીથી ઉપરનો છે એટલે કે લૂંટનો છે. આ કોઈ આરોપ નથી. આ હકીકત છે… ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણી દરમિયાન પોલીસે હજારો મતદારોને પોતાનો વોટ આપવા દીધો નહોતો.’

