Junagadh,તા.18
વંથલી સોરઠના બંટીયા ગામે ત્રણ દિવસ પહેલા રહેણાક બંધ મકાનમાં રોકડ દાગીના સહિત રૂા.58000ની મતાની ચોરી થયાની ફરીયાદ નોંધાતા વંથલી પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખી વંથલીના ડુંગરી ગામના શખ્સને દબોચી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ બંટીયા ગામે રહેતા ફરીયાદી સુકાભાઈ પાંચાભાઈ બાલસના રહેણાંક મકાનના દરવાજાનું તાળુ તોડી રૂમના કબાટમાંથી રૂા.48000ના સોના ચાંદીના દાગીના રોકડા રૂા.10 હજારના મળી કુલ રૂા.58000ની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ હતી જેનો બે દિવસમાં વંથલી પોલીસે ભેદ ઉકેલી નાખી ડુંગરી ગામે રહેતો જયેશ ઉર્ફે પપ્પુ કાન્તી બધા રાઠોડ (ઉ.36) ધંધો ડ્રાઈવીંગ વાળાને દબોચી લઈ તેમની પાસેથી બે જોડી ચાંદીના સાંકળા, હાથમાં પહેરવાના બે કડલા ચાર પગની નખલીયુ કબજે કરી છે. વંથલી પીએસઆઈ આર.બી. ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.
માળીયાના પીખોર ગામે માવતરે રહેતી ભાવીશાબેન આશીષ દયાતરએ ગત તા.11-11-2025ના ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ મામલે ભાવીશાબેનના પિતાએ અગાઉ મેંદરડા પોલીસમાં ફરજ બજાવતા અને હાલમાં ભેંસાણ બદલી થયેલ પોલીસ કર્મી આશીષ દયાતર સામે મરવા મજબુર કર્યાની ફરીયાદ નોંધાયેલ. આ કેસમાં માળીયા પોલીસે ફરાર આરોપી પોલીસમેન આશીષ દયાતરની ગળુ નજીકથી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. ભાવીશાબેનના પિતાએ આપેલા પુરાવાઓ અંગે પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

