Navsari,તા.૧૯
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ત્યારબાદ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો અત્યારથી જ વધી ગયો છે. તમામ રાજકીય પક્ષો પોતાનું સંગઠન મજબૂત બનવા અને પોતાના ગઢને અભેદ્ય બનાવવા માટે મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ બની છે. ‘ગુજરાત જોડો અભિયાન’ અંતર્ગત આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં કાર્યકર્તાઓની સંગઠનાત્મક ટીમ બનાવી જનસમર્થન મેળવવાની દોડ શરૂ કરી છે.
ચીખલીના દેગામ ખાતે આપના આદિવાસી નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જનસભા સંબોધી હતી. સ્થાનિક નાગરિકો, કાર્યકર્તાઓ અને યુવાનોની હાજરી વચ્ચે વસાવાએ ગુજરાતના રાજકીય દૃશ્ય અને આદિવાસી વિસ્તારોની સમસ્યાઓને મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે પ્રજાને આહ્વાન કર્યું કે “પરિવર્તન તમારાથી જ શક્ય છે, અને આ પરિવર્તનની શરૂઆત આજે દેગામથી જ થવી જોઈએ”
ચૈતર વસાવા પર થયેલા કેસો અને ત્યારબાદના જેલવાસને પગલે કોર્ટ દ્વારા તેમને મતવિસ્તારથી દૂર રહેવાનો આદેશ મળ્યો છે. તેમ છતાં, લોકો સાથેનો નાતો જાળવી રાખવા અને પક્ષને મજબૂત કરવાની દિશામાં તેઓ છેલ્લા કેટલાક સમયથી સક્રિય બન્યા છે. દેગામની જનસભામાં વસાવાએ પોતાની સાથે થયેલા અન્યાયની વાત કરી અને એક ફિલ્મી સંવાદ બોલતા કહ્યું કે, “જબ તક તોડેંગે નહીં, તબ તક છોડેંગે નહીં”
વસાવાએ આરોપ મૂક્યો કે, આદિવાસી પટ્ટામાં વર્ષો સુધી શાસન કર્યા છતાં સત્તાધારી પક્ષે સ્થાનિક લોકોની મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ લાવ્યું નથી. રોડ, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ આજે પણ અનેક ગામોમાં અધૂરી છે. વસાવાએ આક્ષેપ કર્યો કે આદિવાસી વિસ્તારોને માત્ર મતબેંક તરીકે વાપરવામાં આવે છે,પરંતુ વિકાસના નામે માત્ર ખોટા વાયદાઓ જ કરવામાં આવે છે.
વલસાડના સાંસદ ધવલ પટેલ અંગે પણ વસાવા આક્રમક બન્યા. તેમણે કહ્યું કે સાંસદ “કૃપાગુણથી” જીત્યા છે અને પક્ષના “બોલતા પોપટ” બની રહ્યા છે. “જેઓ બોલશે નહીં તેમને ફરીથી ટિકિટ મળશે નહીં” એવો ઉલ્લેખ કરી વસાવાએ સવાલ કર્યો કે આદિવાસીઓના હક, વનઅધિકાર, રોજગાર કે જમીન જેવા અગત્યના મુદ્દાઓ પર સાંસદ મૌન કેમ છે?
આમ આદમી પાર્ટી આગામી તાલુકા, જિલ્લા પંચાયતો તેમજ મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં મહત્વપૂર્ણ પ્રદર્શન કરવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં વસાવાએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર સરકારથી અકળાયેલો દરેક મતદાર હવે પરિવર્તન ઈચ્છે છે. “ગુજરાત જોડો” અભિયાન દ્વારા પાર્ટી આ અસંતોષને શક્તિમાં રૂપાંતરિત કરવાની તૈયારીમાં છે.
જનસભાના અંતે ચૈતર વસાવાએ લોકોને અપીલ કરી કે જો તેઓ સાચા વિકાસ, પારદર્શક શાસન અને અને નીતિ આધારિત રાજકારણ ઇચ્છતા હોય, તો આગામી ચૂંટણીઓમાં આપને તક આપવી જોઈએ. તેમના શબ્દોમાં, “આ લડત વ્યક્તિગત નથી, આ લડત છે અમારા હકોની, અમારા આદિવાસી ગૌરવની અને ગુજરાતના ભવિષ્યની.”

