Gandhinagar,તા.૧૯
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના ટાઉન હૉલ ખાતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ૨૧મા હપ્તાનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ૪૯ લાખથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રૂ. ૯૮૦ કરોડથી વધુની સહાય એક જ ક્લિકમાં જમા કરવામાં આવી હતી. દેશભરમાં આજે લગભગ ૯.૫ કરોડથી વધુ ખેડૂતોને કુલ ૨૦,૦૦૦ કરોડથી વધુની રકમ વિતરિત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું “મોદી સરકાર ખેડૂતોની પડખે ઊભી છે” મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે,“પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર કુદરતી આફતોના સમયે પણ ખેડૂતોની પડખે ઊભી રહી છે. ગુજરાતમાં વાવાઝોડું, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિઓમાં કેન્દ્ર અને રાજ્યની ‘ડબલ એન્જિન’ સરકારે ઝડપથી મદદ પહોંચાડી છે. આ જ કારણે રાજ્યમાં વિશાળ કૃષિ પેકેજની જાહેરાત અને અમલ શક્ય બન્યો છે.
”તેમણે વધુમાં જણાવ્યું કે,“આજનો સમય પ્રાકૃતિક કૃષિનો છે. રસાયણમુક્ત ખેતી અને સજીવ ખેતીને ખેડૂતો પ્રાધાન્ય આપે એ જ સમયની સૌથી મોટી માંગ છે.ગુજરાત સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે.”ગુજરાતના ખેડૂતોને દેશમાં સૌથી વધુ દિવસનો વીજ પુરવઠોમુખ્યમંત્રીએ ગુજરાતની કૃષિ વીજળી નીતિની પ્રશંસા કરતાં કહ્યું,ગુજરાતમાં ૯૮ ટકાથી વધુ ખેડૂતોને દિવસે ૮ કલાક સતત વીજ પુરવઠો મળે છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના ખેડૂતોને સૌથી વધુ સમય વીજળી મળે છે, જેનું સીધું પરિણામ ખેતીની ઉત્પાદકતામાં વધારો અને ખેડૂતોની સમૃદ્ધિમાં જોવા મળે છે.
આત્મનિર્ભર ભારત માટે સૌ સ્વદેશી અપનાવીએ”કાર્યક્રમના અંતમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને યાદ કરતાં કહ્યું,“આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે સૌ સ્વદેશી અપનાવીએ. ખેડૂતોથી લઈને ઉદ્યોગપતિ સુધી દરેકે સ્વદેશીનો સંકલ્પ લેવો જરૂરી છે.”આ કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ, નાણાં મંત્રી કનુ દેસાઈ સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા પીએમ-કિસાન યોજના હેઠળ દર ચાર મહિને ૨,૦૦૦ના ત્રણ હપ્તા એટલે કે વાર્ષિક ૬,૦૦૦ની સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. ૨૦૧૯થી અત્યાર સુધી ગુજરાતના ખેડૂતોને આ યોજના હેઠળ ૨૦,૦૦૦ કરોડથી વધુની સહાય મળી ચૂકી છે.

