દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સરસવણી ગામ પાસે પાંચ મજૂરો રોડ મેન્ટેનન્સનું કામ કરી રહ્યા હતા
New Delhi, તા.૧૯
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના પાદરા નજીક બુધવારે સવારે એક અત્યંત ગમખ્વાર અને દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. પાદરાના સરસવણી ગામ પાસે હાઇવે પર સમારકામની કામગીરી કરી રહેલા પાંચ મજૂરોને એક પૂરઝડપે આવી રહેલી કારે અડફેટે લીધા હતા. આ ભીષણ ટક્કરમાં બે મજૂરોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ મજૂરોનો આબાદ બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સરસવણી ગામ પાસે પાંચ મજૂરો રોડ મેન્ટેનન્સનું કામ કરી રહ્યા હતા. બુધવારે સવારે લગભગ ૯ વાગ્યે, વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો અને કાર સીધી કામ કરી રહેલા મજૂરો પર ફરી વળી.
અકસ્માત એટલો ગંભીર હતો કે બે મજૂરો, દિલીપ દહિયા અને મનોજ કુમાર, ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમના મોત થયા હતા.
ઘટના સમયે હાજર અને બચી ગયેલા સાથી મજૂર સાગર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “અમે સવારે ૮ઃ૩૦ વાગ્યે સાઇટ પર પહોંચ્યા હતા અને તમામ સેફ્ટી સાધનો પહેરીને કામ કરી રહ્યા હતા. અમે કુલ ૫ લોકો હતા. સવારે ૯ વાગ્યાની આસપાસ, ફુલ સ્પીડમાં એક ગાડી આવી અને અમારા સાથીઓને ટક્કર મારી દીધી. અમારા બે લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.”
ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે કાર ચાલકની ઓળખ કરવા અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

