વન વિભાગના અધિકારીઓએ ગઈકાલે સાંજે દરોડો કરી મંદિરના મહંત મનુ મણીરામ દુધરેજીયાની અટકાયત કરી
Rajkot તા.૧૯
રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ નજીમ આવેલું ખેતલા આપાનું મંદિર લોકો માટે અસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં અંદાજીત ૧૦૦ જેટલા સાપ રહે છે. લોકો આ સાપને ખેતલા આપા હાજરા હજુર છે તેનું માને છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓ સાપને હાથમાં લઈને દર્શન કરતા હોય છે. ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ખેતલા આપા પર આસ્થા ધરાવે છે એટલે જ ખેતલા આપાના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર ખેતલા આપા મંદિરનો વિડીયો વાયરલ થયો હતો.
જે વિડીયો આધારે રાજકોટ શહેર ઉત્તર રેન્જ વન વિભાગના અધિકારીઓએ તપાસ કરાવી હતી. જેમાં મંદિરમાં સાપની ખેતલા આપા તરીકે પૂજા કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ ગઈકાલે સાંજે દરોડો કરી મંદિરના મહંત મનુ મણીરામ દુધરેજીયાની અટકાયત કરી ૫૨ જેટલા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગની કાર્યવાહી બાદ લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. લોકોએ કહ્યું હતું કે, ખેતલા આપા સાથે અમારી આસ્થા જોડાયેલી છે. વન વિભાગે એક વખત અમને પૂછી તો જોવું હતું. વન વિભાગના અધિકારીઓ જેને સાપ કહે છે તેનું અમે પૂજન કરીએ છીએ અને તે અમારો બાપ ખેતલા આપા છે.
તો બીજી તરફ રાજકોટ શહેર ઉત્તર રેન્જના ડ્ઢઝ્રહ્લ યુવરાજસિંહ ઝાલાએ કહ્યું હતું કે, મંદિરમાં કોમન સેન્ડ બુઆ જાતિના સાપ હોવાની માહિતી મળી હતી. ૫૨ જેટલા સાપ મળી આવ્યા હતા. વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટને કારણે શેડ્યુલ ૨માં આવે છે. જેને કોઈ એક જગ્યાએ રાખવા તે ગુનો બને છે. મંદિરના મહંત મનુ મણીરામ દુધરેજીયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે સાપની કોઈ તસ્કરી કરવામાં આવતી હોય તેવું સામે આવ્યું નથી. આગામી દિવસોમાં આવા પ્રાણીઓ રાખતા મંદિરોમાં પણ તપાસ કરવામાં આવશે.
શિડયુલ ૨ના પ્રાણીઓ રાખવા ગુનો છે અને તેમાં ૬ મહિનાની સજાની જોગવાઈ છે. મહંત મનુ મણીરામ દુધરેજીયા હાલ જામીન મુક્ત થયા છે. પરંતુ જરૂર પડશે તો વધુ તપાસ માટે પણ બોલાવવામાં આવશે. ખેતલા આપાનું મંદિર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું હોવાથી લોકો મંદિરે સાપ મૂકી જતા હોવાનું સામે આવ્યું છે. મહંત પણ સાપ પકડવાનું જાણતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હાલ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
સાપ એ મોટી કેટેગરી ગણાય તેની અંદર પેટે રેલતા સરીસૃપો આવી જાય. પણ જેને પૂજનીય ગણવામાં આવે છે તે નાગની કેટેગરીના સાપ છે. મંદિરમાંથી જે કોમન સેન્ડ બોઆ રેસ્ક્યુ કરાયા છે તે સાપ ખરા પણ નાગ નહિ. સાદી ભાષામાં તેને અંગોઠિયું કહેવાય છે. આવી જ કેટેગરીમાં આંધળી ચાકળ, અજગર બધા જ આવે. અહીં બોઆને નાગ તરીકે બતાવી પૂજા કરાવાતી હતી. આ સાપ તદ્દન બિનઝેરી હોય છે અને તેને રેતી જેવી જગ્યા મળી જાય એટલે ત્યાં જ પડ્યા રહે છે. હાલ વન વિભાગે ૫૨ સાપને રાજકોટ જિલ્લાના અલગ અલગ વન્ય વિસ્તારોમાં મુકવાની કામગીરી શરૂ કરી છે.

