મુંબઇ પોલીસની ઓળખ આપી વધુ ૧૦ લાખ માંગતા વૃદ્ધ દંપતીએ દુબઈ સ્થિત પુત્રી પાસે રૂપીયા માંગતા ભાંડો ફુટયો
Rajkot તા. ૧૯
ડીઝીટલ એરેસ્ટના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ એકબનાવમાં રાજકોટમાં એરપોર્ટ રોડ પર આવેલ એક્જાનગર સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષક દંપતીને મુંબઇ પોલીસની ઓળખ આપી ગઠીયાએ ડીઝીટલ એરેસ્ટ કરી રૂા. ૧,૧૪,૫૫,૦૦૦ પડાવ્યા હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસ દફતરે ફરીયાદ નોંધાતા પોલીસે ગઠીયાએ ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં જુના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક આવેલ એક્જાનગર સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષક કુરબાનભાઈ વલીજીભાઈ બદ્યમી (ઉ.વ.૭૬) ૨૦ દિવસ પુર્વે તા. ૨૯ ઓક્ટોબરના રોજ પોતાના ઘરે હતા ત્યારે અજાણ્યા મો.નં. ૮૯૦૦૨૦૨૬૮૩ માંથી કોલ આવ્યો હતો અને ટેલીકોમ કંપનીમાંથી બોલુ છું આ તમારો ફોન બે ક્લાકમાં બંધ થઈ જશે. કારણ કે આ તમારા ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમ્બલીંગ અને સાયબર આતંકવાદમાં થયેલ છે. તેવુ જણાવી તમારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ખુલાસો કરવા જવુ પડશે તેવુ કહેતા કુરબાનભાઈ બામીએ સીનીયર સીટીઝન હોવાથી મુંબઇ ખાતે જઇ શકાય તેમ નથી તેવુ કહેતા ગઠીયાએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે સંપર્ક કરાવી આપીશ તેમા ખુલાસો કરજો તેમ કહયું હતું. બાદમાં કુરબાનભાઈ બધમી પર ૯૬૫૭ર ૯૭૨૫૦ નંબર પરથી વિડીયો કોલ આવ્યો હતો. જેમાં એક શખ્સ પોલીસની વર્દીમાં હતો અને તેણે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ શંકર સુરેશ પાટીલ હોવાની ઓળખ આપી હતી અને વૃધ્ધની ડીટેઇલ્સ માંગી આધાર કાર્ડ નંબર માંયા હતા. વૃધ્ધે આધારકાર્ડ નંબર આપતા જ પોલીસના સ્વાંગમાં રહેલા શખ્સે તમારા આધારકાર્ડનો અલગ અલગ રાજયમાં ખાતા ખુલ્યા છે અને મનીલોન્ડરીંગ અને સાયબર ક્રાઇમમાં ઉપયોગ થયો છે જેમાં તમને ૧૦ વર્ષની આજીવન કેદની સજા થઈ શકે છે. જેથી તમને ફીજીકલ એરેસ્ટ કરતા નથી પરંતુ ડીજીટલ એરેસ્ટ કરવામાં આવે છે. તેમ કહી સાયબર આતંકવાદના કેસમાં રાહત આપવાનું આશ્વાસન આપ્યું હતું. બાદમાં ફરી વિડીયો કોલ કરી તમારી સંપતિ શંકાના દાયરામાં છે અને તે તમામ પ્રોપર્ટીને લીક્વીટાઇઝ કરી આરબીઆઇમાં રોકડા રૂપીયા જમા કરવા પડશે જે રૂપીયા કેશપુર્ણ થયા પછી વ્યાજ સાથે પરત મળી શકે તેવુ જણાવી વૃધ્ધના વોટસએપમાં સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયા લખેલ અને રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના ડેપ્યુટી ગર્વનર ટી.બીશંકરની સહી તથા આરબીઆઇનો સિકકો મારેલ દસ્તાવેજ મોકલ્યો હતો. જેમાં જે ખાતામાં રૂપીયા જમા કરાવવા હતા તેની વિગતો જણાવી હતી. જેથી વૃધ્ધે તેના અને તેની પત્નીના ખાતામાંથી રૂપીયા ૧,૧૪,૫૫,૦૦૦ કટકે કટકે નાખ્યા હતા. તેમ છતા પોલીસ કર્મીની ઓળખ આપનાર શંકર પાટીલે વધુ ૧૦ લાખની માંગણી કરી ફીજીકલ એરેસ્ટ અને વિદેશ રહેતી બંને પુત્રીઓને ડીપોર્ટ કરી ભારત લાવવા ધમકી આપી હતી. જેથી વૃધ્ધે કેનેડા રહેતી પુત્રી પાસે રૂપીયા માંગતા ગઠીયાએ ડીજીટલ એરેસ્ટ કર્યાનો ભાંડો ફુટયો હતો. જેને પગલે કુરબાનભાઇ બદ્યમીએ રાજકોટ સાયબર કાઇમ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

