Dhakaતા.૨૦
બાંગ્લાદેશ ટીમ ઘરેલુ મેદાન પર આયર્લેન્ડ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે, જેની બીજી મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ ટેસ્ટ બાંગ્લાદેશ ક્રિકેટના સૌથી અનુભવી ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન મુશફિકુર રહીમ માટે ખાસ છે, કારણ કે તે પોતાની ૧૦૦મી ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. મુશફિકુરએ રમતના બીજા દિવસે પોતાની ૧૩મી ટેસ્ટ સદી પૂરી કરીને પોતાની ૧૦૦મી ટેસ્ટને વધુ ખાસ બનાવી દીધી. આ સાથે, મુશફિકુર રહીમ એક એવી યાદીમાં જોડાયો જેમાં અગાઉ વિશ્વ ક્રિકેટમાં ફક્ત ૧૦ ખેલાડીઓનો સમાવેશ થતો હતો.
૧૦૦ ટેસ્ટ મેચ રમવાની સફર કોઈપણ ખેલાડી માટે સરળ નથી, અને તેથી, બહુ ઓછા ખેલાડીઓ આ સીમાચિહ્ન સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. મુશફિકુર રહીમ ૧૦૦ ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી છે. બીજી ટેસ્ટના પહેલા દિવસની રમતના અંતે, રહીમ ૯૯ રન બનાવીને અણનમ રહ્યો. આ સાથે, મુશફિકુર રહીમે આયર્લેન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે પોતાની સદી પૂરી કરી, અને તે પોતાની ૧૦૦મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વ ક્રિકેટમાં માત્ર ૧૧મો ખેલાડી બન્યો. મુશફિકુર રહીમ પહેલા, કોલિન કાઉડ્રે, જાવેદ મિયાંદાદ, ગોર્ડન ગ્રીનિજ, એલેક સ્ટુઅર્ટ, ઇન્ઝમામ-ઉલ-હક, રિકી પોન્ટિંગ, ગ્રીમ સ્મિથ, હાશિમ અમલા, જો રૂટ અને ડેવિડ વોર્નરે આ સિદ્ધિ મેળવી હતી.
આયર્લેન્ડ સામેની બીજી ટેસ્ટને પોતાની સદીથી ખાસ બનાવનાર મુશફિકુર રહીમ ૧૦૬ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. રહીમને આયર્લેન્ડના ડાબોડી સ્પિનર મેથ્યુ હમ્ફ્રીસે આઉટ કર્યો. બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીમાં ૧-૦થી આગળ છે અને બીજી મેચ જીતીને ક્લીન સ્વીપ પર નજર રાખી રહ્યું છે. બાંગ્લાદેશે પહેલી મેચમાં આયર્લેન્ડને ઇનિંગ્સ અને ૪૭ રનથી હરાવ્યું.

