Mehsana,તા.૨૦
ગુજરાતમાં લગ્નના નામે યુવકોને ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગને બહુચરાજી પોલીસે આખરે ઝડપી પાડી છે. નકલી દસ્તાવેજો અને મેરેજ બ્યુરોની મદદથી ૧૮ જેટલા યુવાનો સાથે લગ્ન કરાવી ૫૨ લાખ રૂપિયાની ઠગાઈ કરનાર આ ટોળકી લાંબા સમયથી પોલીસને ગેરમાર્ગે દોરતી હતી. આખરે સચીન પટેલની ફરિયાદ પરથી આ ગેંગનો ભાંડો ફૂટી ગયો છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લગ્નની આડમાં ચાલતી લાખોની ઠગાઈની રણનીતિનો બહુચરાજી પોલીસે અંત લાવ્યો છે. આદિવાડા ગામના સચીન પટેલે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં પોતાની જ દુલ્હન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લગ્ન સમયે પાંચ લાખ રૂપિયાં, સોનું-ચાંદીના દાગીના અને મોબાઈલ લઈને દુલ્હન માત્ર ચાર દિવસમાં ગાયબ થઈ ગઈ હતી. પોલીસે તપાસ શરૂ કરતાં જ મામલો ચોંકાવનારો બની ગયો. સચીનની પત્ની ચાંદનીને લઈ જનાર તેનો કથિત બનેવી અને દલાલ રાજુ ઠક્કર હોવાનું સામે આવ્યું.
તેની માતા સવિતા અને રશ્મિકા મળીને રાજ્યભરમાં અનેક યુવકોને ટાર્ગેટ કરતી ગેંગનો ભાગ હોવાનું બહાર આવ્યું. સચીનના છૂટાછેડા માંગતા જ આ ટોળકીએ તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, વધુ ૫૦ હજાર રૂપિયા વસૂલ્યા. આમ, કુલ ૫ લાખ ૫૭ હજાર રૂપિયા પડાવ્યાની પોલીસ તપાસમાં પુષ્ટિ થઈ. વધુ તપાસ દરમિયાન ખુલ્યું કે આ ટોળકી નકલી આધાર કાર્ડ, ફેક ન્ઝ્ર અને ખોટા એડ્રેસ દ્વારા પોતાની ઓળખ બદલી નાખતી અને નવા યુવકોને લગ્ન માટે ફસાવતી. માત્ર બે મહિલાઓ રશ્મિકા દ્વારા ૪ લગ્ન, જ્યારે ચાંદની દ્વારા ૧૫ લગ્ન કરાવવામાં આવ્યા હતા.
આ ગેંગ શુભમ મેરેજ બ્યુરો અને જય માડી મેરેજ બ્યુરોની મદદથી યુવકોને ટાર્ગેટ કરતી હતી. મોટા પાયે ચાલી રહેલી આ છેતરપિંડીનો ભોગ બનેલા યુવકોની સંખ્યા ૧૮ સુધી પહોંચી હતી અને કુલ ૫૨ લાખથી વધુની છેતરપિંડી થયેલી સામે આવી છે. ઈડર, રાજકોટ સિટી સહિતની અનેક જગ્યાએ આ આરોપીઓ વિરુદ્ધ અગાઉથી જ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. હવે બહુચરાજી પોલીસ આ નકલી દસ્તાવેજો કયા નેટવર્ક મારફતે તૈયાર કરાવવામાં આવ્યા તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
“આ ગેંગ લાંબા સમયથી લગ્નના નામે યુવકો સાથે છેતરપિંડી કરતી હતી. નકલી દસ્તાવેજો બનાવી તેઓ પોતાની ઓળખ છુપાવતા અને મેરેજ બ્યુરો મારફતે નવા શિકાર શોધતા હતા. બહુચરાજી પોલીસની ટીમે મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે. બાકી નકલી દસ્તાવેજો બનાવનારા લોકો અને પુરા નેટવર્કની તપાસ ચાલુ છે.”

