Ahmedabad,તા.૨૦
ગુજરાતમાં વધતી ટ્રાફિક સમસ્યા અને ટ્રાફિક પોલીસની કામગીરી પર હાઈકોર્ટમાં પ્રશ્નો ઉભા થયા. આ પ્રશ્નોના ઉકેલ માટે મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ. કન્ટેમ્પ્ટ પિટિશનમાં રજૂ થયેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ટ્રાફિક વિભાગને કડક ટકોર કરી છે. શહેરોના પીક અવર્સ દરમિયાન ઉભી થતી અત્યંત ગંભીર ટ્રાફિક સમસ્યાને લઈને કોર્ટ ખાસ વ્યક્ત કરી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “ટ્રાફિક પોલીસ રોડ પર રહેવાથી વધારે મોબાઈલ ફોન જોતાં જોવા મળે છે.”
સુનાવણી દરમિયાન અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી કે ગુજરાતના મોટા શહેરોમાં પીક અવર્સમાં ટ્રાફિક જામ સામાન્ય બની ગયો છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં મુખ્ય રોડ, ચેકપોસ્ટ, સિગ્નલો અને ફ્લાયઓવર પર વાહનોની લાઈનો ઘણા કિલોમીટર સુધી ફેલાઈ જાય છે, જેના કારણે લોકોનો સમય બગડે છે અને અકસ્માતોની સંભાવના પણ વધી જાય છે. તેમ છતાં ટ્રાફિક પોલીસની કામગીરીમાં જરૂરી કડકાઈ જોવા મળતી નથી.
આ રજૂઆત બાદ હાઈકોર્ટએ રાજ્ય સરકાર અને ટ્રાફિક વિભાગને કડક શબ્દોમાં ટકોર કરતા કહ્યું કે ટ્રાફિક પોલીસ મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહે છે, જે અત્યંત ગંભીર બાબત છે. કોર્ટએ જણાવ્યું કે રોડ પર ટ્રાફિકનું નિયંત્રણ રાખવાનું કામ પોલીસનું છે, મોબાઈલમાં સ્ક્રોલિંગ કરવાનું નહીં. કોર્ટએ આચરણમાં સુધારો લાવવા પોલીસ મહાનિર્દેશક અને રાજ્ય સરકારને કડક સૂચના આપી.
હાઈકોર્ટએ વધુમાં જણાવ્યું કે પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે વિશેષ આયોજન જરૂરી છે. મુંબઈ, દિલ્હી અને અન્ય મોટા શહેરોમાં જેમ પીક અવર્સ ટ્રાફિક મેનેજમેન્ટની ખાસ સિસ્ટમ હોય છે, તે જ પ્રમાણે ગુજરાતમાં પણ અસરકારક વ્યવસ્થા ઘડવી જોઈએ. કોર્ટએ કહ્યું કે “રોડ પર વાહનદોર વધે છે, પરંતુ પોલીસની કામગીરી યથાવત રહી છે. પરંતુ હવે આમાં પરિવર્તનની જરૂર છે.”
ટ્રાફિક વિભાગ તરફથી આપવામાં આવેલી કામગીરીની માહિતી અને આવનારી યોજના અપર્યાપ્ત હોવાનું જણાતાં, હાઈકોર્ટએ રાજ્ય સરકારને સર્વગ્રાહી રિપોર્ટ તૈયાર કરી આગામી સુનાવણીમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ રિપોર્ટમાં ટ્રાફિક પોલીસની વર્તમાન સ્થિતિ, તેની ફરજની પદ્ધતિ, ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પીક અવર્સમાં ટ્રાફિક નિયંત્રણ માટે અપાયેલી કામગીરી, ટેકનોલોજીના ઉપયોગ અને આવનારા દિવસોની યોજનાઓનો સમાવેશ કરવાની સૂચના આપવામાં આવી છે.
કોર્ટએ ખાસ ભાર મુક્યો કે ટ્રાફિક પોલીસને યોગ્ય ટ્રેનિંગ, આધુનિક સાધનો અને વ્યાવહારિક સમજ આપવાની જરૂર છે. ટ્રાફિક જો પોતાનું ધ્યાન રસ્તા પરથી હટાવી મોબાઈલ પર રાખશે તો તે જનહિત પર ગંભીર અસર કરશે. આ માટે કડક માર્ગદર્શિકા તૈયાર કરી તરત અમલી કરવાની સૂચના કોર્ટએ આપી.
હાઈકોર્ટએ સરકારને પૂછ્યું કે ટ્રાફિક પોલીસના મોબાઈલ ઉપયોગ પર કોઈ સ્પષ્ટ નીતિ છે કે નહીં? અને જો ન હોય તો તરત જ નીતિ ઘડવાની ફરજ પાડવામાં આવવી જોઈએ. કોર્ટએ નોંધ્યું કે ઘણા અકસ્માતો અને અવરોધો ટ્રાફિક પોલીસ ની ગેરહાજરી અથવા ધ્યાનની ઉણપને કારણે પણ સર્જાય છે.
આ સમગ્ર કેસ હવે રાજ્ય સરકાર માટે ખૂબ જ ગંભીર બની ગયો છે. ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે માત્ર સૂચના પૂરતી નથી, પરંતુ ટ્રાફિક સ્થળોએ કામગીરી દેખાવી પણ ખૂબ જ જરૂરી છે. આગામી સુનાવણીમાં સરકાર કયા પગલા અને નવી નીતિ રજૂ કરી શકે છે.

