Valsad,તા.૨૦
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ પર યોજાયેલા યુનિટી માર્ચમાં વલસાડના ભાજપ સાંસદ ધવલભાઈ પટેલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે અરવિંદ કેજરીવાલના અહંકારની સરખામણી રાવણ સાથે કરતાં કહ્યું કે, “અરવિંદભાઈ કેજરીવાલને રાવણ કરતાં પણ વધારે અહંકાર હતો, એટલે દિલ્હીની જનતાએ તેમને ઘર ભેગા કરી દીધા.”
સાંસદ ધવલ પટેલે વધુમાં કહ્યું કે, “આમ આદમી પાર્ટીને દિલ્હીમાં ખૂબ અભિમાન હતું, પરંતુ હવે ત્યાં તેમની સ્થિતિ શું છે એ બધાને ખબર છે. તાજેતરમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં પણ આપ અને કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. ગુજરાતની જનતા પણ આવી પાર્ટીઓને સ્વીકારશે નહીં.”
તેમણે આપ અને કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, “આ બંને પાર્ટીઓ આપણા સમાજ અને રાજ્યને તોડવાનું કામ કરે છે. દેશની બહારના લોકોને દેશ વિરુદ્ધ કાવતરું ઘડવા માટે સમર્થન આપે છે.” તેમણે વલસાડની જનતાને અપીલ કરી કે, “આપણે બધા એક રહેવું, એકતામાં રહેવું અને સજાગ રહેવું જોઈએ.”
સાંસદના આ નિવેદનથી ગુજરાતના રાજકીય વાતાવરણમાં ખળભળાટ મચી ગયો છે. વલસાડ જિલ્લા આપના આગેવાનોએ આ નિવેદનનો તીવ્ર વિરોધ કર્યો છે અને તેને “રાજકીય હતાશાનું પરિણામ” ગણાવ્યું છે. કોંગ્રેસના પ્રતિનિધિઓએ પણ આ નિવેદનને “અસત્ય અને ભાજપની નિરાશા” તરીકે ઓળખાવ્યું છે.
બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓએ સાંસદના નિવેદનને “સમયસૂચક અને સાચું” ગણાવીને તેનું સમર્થન કર્યું છે. આ ઘટનાએ ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ પહેલાં રાજકીય તાપમાન વધારી દીધું છે.

