Mumbai,તા.21
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર શ્રેયસ ઐયર હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન થયેલી ગંભીર ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઐયરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ મેદાનમાં તેની વાપસીમાં કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં અને રિકવરી પ્રક્રિયામાં સમય લાગી શકે છે.
અહેવાલો અનુસાર, થોડા સમય પહેલા શ્રેયસ ઐયરે પોતાના ઘર નજીક અલ્ટ્રાસોનોગ્રાફી (USG) સ્કેન કરાવ્યું હતું. આ સ્કેન રિપોર્ટની વિગતવાર તપાસ ડૉ. દિનશા પારડીવાલા દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટ બાદ શ્રેયસ હવે તેની સામાન્ય દૈનિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા અને હળવી આઇસોમેટ્રિક કસરતો પણ શરૂ કરવા માટે તૈયાર છે. જો કે, આગામી એક મહિના સુધી તેણે પેટના અંદરના દબાણમાં વધારો કરતી કોઈપણ સઘન તાલીમ અથવા કસરતથી દૂર રહેવું પડશે.
શ્રેયસ ઐયરની રિકવરીનું સંપૂર્ણ ચિત્ર આગામી સ્કેન બાદ સ્પષ્ટ થશે. એક મહિનાનો પ્રતિબંધિત સમય પૂરો થયા પછી, તે વધુ એક USG સ્કેન કરાવશે. આ આગામી સ્કેન પછી જ શ્રેયસ ઐયર બેંગલુરુમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે તેનું સત્તાવાર રિહેબિલિટેશન (રિહેબ) શરૂ કરી શકશે.
ભારતીય ક્રિકેટ ટીમના ODI વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ(ODI) (26મી ઑક્ટોબર) મેચ દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા પહોંચી હતી. એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ડાબી પાંસળીમાં થયેલી આ ઈજાને કારણે આંતરિક રક્તસ્રાવ(Internal Bleeding) થતાં, તેને સિડનીની એક હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યો છે.
શ્રેયસ ઐયરને શનિવારે (26મી ઑક્ટોબર) મેચ દરમિયાન ડાબી પાંસળીમાં ઈજા થઈ હતી. એલેક્સ કેરીનો કેચ પકડ્યા બાદ તે પીડામાં હોવાનું જણાતા તેને તરત જ ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. BCCIની મેડિકલ ટીમે ડ્રેસિંગ રૂમમાં પ્રાથમિક તપાસ બાદ પરિસ્થિતિની ગંભીરતા જોતાં તાત્કાલિક કાર્યવાહી કરી અને ઐયરને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

