Gandhinagar,તા.૨૨
ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે, ખેડૂતો પાસેથી સોમવારથી ડાંગરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આ નિર્ણયથી ડાંગર પકવતા ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહેશે.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી માટે અત્યાર સુધીમાં એક લાખથી વધુ ખેડૂતોની અરજીઓ આવી ચૂકી છે. મોટા પ્રમાણમાં ખરીદી પણ થઈ ગઈ છે અને ખેડૂતોને ૫ કરોડ જેટલું ચુકવણું પણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, સોયાબીનની ખરીદી અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, ૧૫ હજાર સોયાબીનની અરજીઓ પૈકી ૪૧૫ જેટલા ખેડૂતો પાસેથી ખરીદી પણ થઈ ગઈ છે.
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસ કાર્યોની જાહેરાત પર લોકોની પ્રતિક્રિયા અંગે એક રસપ્રદ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ૫૪૫ કરોડના કામની મેયરે જાહેરાત કરી તો પણ કોઈના પેટનું પાણી પણ ન હલ્યું. એક સમયે ૫૦ હજારની ગ્રાન્ટ પાસ થતી તો પણ ગામડામાં ઢોલ વગાડતા. ૫૪૫ કરોડના વિકાસ કામની જાહેરાત છતાં તાળી નથી પડતી.”
મંત્રીએ આનું કારણ આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેચ્યુરેશન એટલું કરી દીધું છે કે લોકોને સાડા પાંચસો કરોડની જાહેરાત છતાં લોકો તાળી પણ નથી પાડતા. એટલે કે, મોટા પાયે વિકાસ અને સુવિધાઓ ઉપલબ્ધ થવાને કારણે હવે લોકો માટે મોટી રકમની જાહેરાતો સામાન્ય બની ગઈ છે.
વાઘાણીએ રાજકોટના ભૂતકાળની પાણીની સમસ્યાને પણ યાદ કરી હતી. તેમણે કહ્યું કે, એક સમયે રાજકોટમાં પાણીની ટ્રેનો આવતી હતી. આ પરિસ્થિતિના સંદર્ભમાં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની “સૌની યોજના”ની જાહેરાતને યાદ કરી. તેમણે જણાવ્યું કે, ૨૦૧૨માં હેમુ ગઢવી હોલમાં નરેન્દ્રભાઈએ બધાને બોલાવ્યા હતા અને સૌની યોજનાની ઐતિહાસિક જાહેરાત કરી હતી. જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં ૨ લાખ જેટલા અરજદારો છે, જેમાંથી ૧ લાખ અરજીઓનું કામ પૂર્ણ થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક કોફીટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

