POLICE કે વિવિધ હોદ્દાઓ દર્શાવતા બોર્ડ, કાળા કાચ, નંબર પ્લેટ વગરના વાહનો સામે પોલીસની કડક કાર્યવાહી
Junagadh તા. 22
POLICE તેમજ વિવિધ પ્રકારના હોદ્દાઓ કે ઓળખ દર્શાવતા બોર્ડ વાળા વાહનો તથા નંબર પ્લેટ વગરના તેમજ કાળા કાચ લગાવી રોફ જમાવતા વાહન ચાલકોની હવે જુનાગઢ જિલ્લામાં ખેર નથી. કારણ કે, જુનાગઢ પોલીસ હવે વિવિધ હોદા મારી ફરતા કે નંબર પ્લેટ વગરના વાહનો કે કાળા કાચ લગાવેલ વાહનો સામે લાલ આંખ કરી છે, અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા એ જુનાગઢ શહેર તથા જિલ્લામાં નંબર પ્લેટ વગરના તેમજ કાળા કાચ ધરાવતા વાહનો અને POLICE તેમજ વિવિધ પ્રકારના હોદ્દાઓ કે ઓળખ દર્શાવતા બોર્ડ વાળા વાહનોના વાહન ચાલકો વિરુધ્ધ કાર્યવાહી કરવા આદેશ જારી કરતા, પોલીસ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત વિગતો મુજબ, તમામ વાહનોમાં આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ લગાડવી ફરજીયાત છે, આ સાથે ફોર-વ્હિલરમાં બ્લેક ફિલ્મ લગાડવી ગેરકાયદેસર છે. તેમજ વધુમાં કેટલાક વાહનોમાં POLICE તેમજ વિવિધ પ્રકારના હોદ્દાઓ કે ઓળખ દર્શાવતા બોર્ડ મારી, વાહન ચલાવવામાં આવે છે, જેની સામે પોલીસ દ્વારા સઘન અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં થયેલ દિલ્હી ખાતે લાલ કીલ્લા નજીક કારમાં બ્લાસ્ટ થયાનો બનાવ બનવા પામેલ હોય તેમજ ભુતકાળમાં પણ અલગ-અલગ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ગંભીર બનાવો બનેલ જે ધ્યાને લેતા આવો કોઇ બનાવ બને નહી. અને રાષ્ટ્રીય સુરક્ષા સલામતીને ધ્યાને લઇ જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા થાણા અધિકારી અને પોલીસને સૂચના જારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે,
. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અંતર્ગત જુનાગઢ ટ્રાફીક શાખા તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન, બ્રાન્ચો દ્વારા આવા POLICE તેમજ વિવિધ પ્રકારના હોદ્દાઓ કે, ઓળખ દર્શાવતા બોર્ડવાળા વાહનો તથા બ્લેક ફિલ્મ લગાડેલ તેમજ નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
નંબર પ્લેટો, નેઇમ પ્લેટો, બ્લેક ફિલ્મ વેચાણ કરતા દુકાનદારો, પેઇન્ટરો સાથે પોલીસે મિટિંગ કરી
ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલ્યાના અધ્યક્ષ સ્થાને જુનાગઢ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નંબર પ્લેટો, નેઇમ પ્લેટો, બ્લેક ફિલ્મ તથા હાઇ-બીમવાળી લાઇટની એસેસરિઝ બનાવતા તેમજ વેચાણ કરતા પેઇન્ટરો તથા દુકાનદારોને બોલાવી મીટીંગ કરવામાં આવેલ, જેમા વાહનોમાં POLICE તેમજ વિવિધ પ્રકારના હોદ્દાઓ કે ઓળખ દર્શાવતા બોર્ડ લગાવી ન દેવાની કે બનાવી ન દેવા દુકાનદારોને સમજ કરવામા આવેલ હતી. અને જાહેર જનતાને નંબર પ્લેટ વગરના વાહનો બ્લેક ફિલ્મ લગાડેલ વાહનો તેમજ POLICE તેમજ વિવિધ પ્રકારના હોદ્દાઓ કે ઓળખ દર્શાવતા બોર્ડ ન લગાડવા જણાવવામા આવે છે. તેમજ આગામી સમયમા પણ આવા પ્રકારના વાહનો વિરુધ્ધ કડકાઇપૂર્વક કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે તેમ ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલ્યા દ્વારા જણાવવામાં આવ્યુ છે.

